સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કાર્નિવલ,સાઈક્લોથોન સહિત સ્પર્ધાઓનું કરાયું આયોજન
રાજકોટઃ રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં 36મી નેશનલ ગેમ્સને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નેશનલ ગેઈમ્સ પહેલા જ વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી વિવિધ સ્થળોએ સ્પોર્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ પર સ્પોર્ટસ કાર્નિલનું આયોજન કરાયું છે. જ્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદેશથી વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સ્પોર્ટસ કાર્નિવલનો પ્રારંભ કરાયો હતો. જેની થીમ ‘સેલિબ્રેટિંગ યુનિટી થ્રૂ સ્પોર્ટસ્’ (એકતાની ઉજવણી રમતોને સંગ) નિયત કરાઈ છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. જ્યારે સવારે સાયક્લોથોન યોજાઈ હતી.
રાજકોટ શહેરના રમત-ગમતમાં રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ કાર્નિવલને નિહાળવા ઉમટી પડ્યા હતા. અને રમતવીરોએ વિવિધ રમતોનું નિદર્શન કર્યું હતું. નેશનલ ગેમ્સના મેસ્કોટ ‘સાવજ’એ ઇન્ડોર હોલમાં લાઈવ નિદર્શન કરીને પ્રેક્ષકોને અને ખેલાડીઓને રોમાંચિત કર્યા હતા. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, શાળા-કોલેજોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર તથા પુરસ્કારના ચેક આપી બહુમાન કરાયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી તા. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. નેશનલ ગેમ્સમાં અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા આજથી 18 સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સ, ગુજરાત 2022ની વિવિધ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં યોજાશે. જેમાં હોકી અને સ્વિમિંગની સ્પર્ધાનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે એ હકિકત રાજકોટ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. ગુરૂવારે સવારે 6.30 વાગ્યે આર્ટ ગેલેરી, રેસકોર્સ સાયક્લોથોન ઇવેન્ટ યોજાઈ હતી. જેનો મેયર ડૉ. પ્રદીપ ડવે ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ સાયક્લોથોન માટે કુલ 650થી વધુ શહેરીજનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે વહેલી સવારે આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે જોડાયા હતા.