આજથી શરૂ થશે IPL ક્રિકેટ કાર્નિવલ – મુંબઇ ઇન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે પ્રથમ મેચ
- દેશભરમાં કોરોનાના કેર વચ્ચે આજથી આઇપીએલ-2021નો થશે પ્રારંભ
- આજે 7.30 વાગ્યે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ રમાશે
- આ વખતે IPLમાં કુલ 8 ટીમો વચ્ચે જંગ જામશે
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે ક્રિકેટના ચાહકો ઘર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આજથી ચોગ્ગા-છગ્ગાનો ક્રિકેટ કાર્નિવલ એવા આઇપીએલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આજે આઇપીએલના પહેલા મેચમાં વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. આજે સાંજે 7.30થી મેચ યોજાશે. બીજી રીતે કહીએ તો ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.
આ વખતે IPLમાં કુલ 8 ટીમો વચ્ચે જંગ જામશે જેમાં મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામેલ છે. IPLની ફાઇનલ 30 મે ના રોજ અમદાવાદમાં યોજાનાર છે.
ગત વર્ષે ભારતમાં તેની અગાઉ જાહેર થયેલી 29 માર્ચની તારીખથી IPL કોરોનાને લીધે યોજી નહોતી શકાઇ અને યુએઇમાં દુબઇ, અબુધાબી અને શારજાહમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન આઇપીએલ રમાઇ હતી. આમ વર્ષ 2021ની આઇપીએલ પાંચ મહિના પછી જ રમાઇ રહી છે. તે વખતે પણ કોરોનાને લીધે બાયો બબલ હેઠળ આઇપીએલ રમાઇ હતી. આ વખતે પણ બાયો બબલ છે. પ્રેક્ષકો વગર જ IPL રમાશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.
આ વખતે 6 જ સેન્ટરોમાં મેચ રમાશે તેવુ ભારતીય ક્રિકેટ બોર્ડે નક્કી કર્યું છે અને ટૂર્નામેન્ટની મેચો એ રીતે ગોઠવી છે કે ટીમને ન્યુનત્તમ પ્રવાસ અને નવા બાયો બબલ રચવા ના પડે.
ચેન્નાઇ, મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા એમ છ સેન્ટરમાં જ આઇપીએલ ની મેચો રમાશે.
આઇપીએલની ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ પણ અમદાવાદમાં છે.
કોણ છે 8 ટીમના કેપ્ટન
કોહલી (બેંગ્લોર), રોહિત શર્મા (મુંબઈ), રાહુલ (પંજાબ), પંત (દિલ્હી), સેમસન (રાજસ્થાન), વોર્નર (હૈદ્રાબાદ), મોર્ગન (કોલકાતા) અને ધોની (ચેન્નાઇ) તેમની ટીમના કેપ્ટન છે.
(સંકેત)