Site icon Revoi.in

દક્ષિણ આફ્રિકાના આ સ્ફોટક બેટ્સમેને હવે ફ્રેન્ચાઇઝી ક્રિકેટને પણ કહ્યું અલવિદા, ફેન્સ નાખુશ

Social Share

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના સ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સે પોતાના ફેન્સને ફરી ચોંકાવ્યા છે. હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી પણ સન્યાસ લેવાની જાહેરાત કરી છે. એટલે કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઇપીએલમાં રમશે અને ન તો તે બિગ બેશ, પીએસએલ કે અન્ય કોઇ લીગમાં રમતો જોવા મળશે.

આપને જણાવી દઇએ કે વર્ષ 2018માં એબી ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. એબી ડી વિલિયર્સે સોશ્યલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ડી વિલિયર્સે આ જાહેરાત કરતા પોતાના સફરનો અનુભવ શેર કર્યો હતો અને કહ્યું હતું કે, મારી સફર શાનદાર રહી છે, હવે મે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મે મારા ઘરની પાછળ મારા મોટા ભાઇઓ સાથે રમવાનું શરૂ કર્યું અને ત્યારથી લઇને આજ સુધી મેં આ રમતનો ખૂબ આનંદ લીધો છે. હવે 37 વર્ષની ઉંમરે, તે આગ પહેલા જેટલી ઝડપથી સળગી રહી નથી.

એબી ડી વિલિયર્સની ટી-20 કારકિર્દી વિશે વાત કરીએ તો ડી વિલિયર્સે 9424 રન ફટકાર્યા છે. 340 T20 મેચોમાં તેની બેટિંગ એવરેજ 37.24 હતી જે ખરેખર પ્રશંસનીય છે. મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા ડી વિલિયર્સે તેની ટી-20 કારકિર્દીમાં 436 છગ્ગા ફટકાર્યા હતા.

નોંધનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં એ ડી વિલિયર્સ સૌથી મોટો મેચ વિનર હતો. મેગા ઓક્શન પહેલા બેંગ્લોર ચોક્કસપણે તેને જાળવી રાખવા માંગતું હતું, પરંતુ ડી વિલિયર્સે અચાનક નિવૃત્તિ લઇને બધાને ચોંકાવી દીધા છે.