હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી
- એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત
- હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી
- સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન પર વાપસી કરવા માટે તૈયાર નથી: ક્રિકેટ સાઉથ આફ્રિકા
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સની વાપસીને લઇને ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સ્પષ્ટતા કરી છે કે, સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન પર વાપસી કરવા માટે તૈયાર નથી. IPLમાં દમદાર બેટિંગ કર્યા બાદ એબીએ વાપસીના સંકેત તો આપ્યા હતા જો કે હવે બોર્ડે અધિકૃત નિવેદન આપીને આ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ICCએ જાણકારી આપી છે કે, સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ તરફથી એ વાતને લઇને ચર્ચા પૂર્ણ કરવામાં આવી જેમાં ડિવિલિયર્સની વાપસીની વાત થઇ રહી હતી. ડિવિલિયર્સે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ સાથે બેઠક કરી હતી અને તેમાં તેણે પોતાનો અંતિમ નિર્ણય લીધો છે.
AB de Villiers finalises international retirement.
Discussions with AB de Villiers have concluded with the batsman deciding once and for all, that his retirement will remain final. pic.twitter.com/D3UDmaDAS2
— Cricket South Africa (@OfficialCSA) May 18, 2021
બોર્ડે કહ્યું હતું કે, સંન્યાસ પર ડિવિલિયર્સ સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે વાપસી કરવાની તેની કોઇ ઇચ્છા નથી. તેમણે જે નિવૃત્તિની જાહેરાત કરી હતી તે જ તેનો અંતિમ નિર્ણય હતો અને તે આ મુદ્દા પર બીજી વાર મંથન કરવા માટે તૈયાર નથી.
નોંધનીય છે કે ભારતમાં આ વર્ષે યોજાનારા ટી20 વિશ્વકપમાં તેને તક આપવાની ચર્ચા ચાલી રહી હતી. આપને જણાવી દઇએ કે એબીએ 23મે 2018ના રોજ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા.