નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યા બાદ ત્યાંની મહિલાઓમાં સૌથી વધુ ડર અને દહેશત પ્રવર્તેલી છે. જિહાદી તાલિબાનો મહિલાઓ પર દમન અને અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેના પર અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે. દેશની મહિલા ફૂટબોલ ટીમની સુકાનીએ ફૂટબોલનું સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિફા પાસે મદદ માંગી છે. તેણે ફિફાને તેની ટીમની સાથે ખેલાડીઓને બચાવવાની માંગણી કરી છે.
અમેરિકામાં વસવાટ કરતા શબનમ મોબારેઝે ટ્વિટરની મદદથી ફિફા પાસે પોતાની બહેનોની સુરક્ષા માટે અપીલ કરી છે. તેણે ટ્વિટર પર પોતાની અને તેની સાથે ખેલાડીની ચેટ શેર કરી છે.
25 વર્ષીય મોબારેઝે લખ્યું હતું કે, તું બરાબર છે. અફઘાનિસ્તાનમાં મારી સાથી ખેલાડીએ કહ્યું હતું કે, ના હું ઓકે નથી. હું જાણું છું કે તેઓ ટૂંક સમયમાં મારી પાસે આવી જશે. શું તું મારી મદદ કરી શકે છે?
તેણે ફિફાને ટેગ કર્યું હતું કે, હું આ સવાલોના શું જવાબ આપું.? આપણે મારી ટીમની સાથે ખેલાડીઓને બચાવવા પગલાં લેવા જોઇએ. તેઓ મારી બહેનો છે.
2001માં તાલિબાન સત્તામાંથી બહાર થઈ ગયું હતું અને બાદમાં 2007મા અફઘાનિસ્તાનની મહિલા ફૂટબોલ ટીમ બનાવવામાં આવી હતી. ગુરૂવારે અફઘાનિસ્તાની ફૂટબોલ ટીમની ભૂતપૂર્વ સુકાનીએ ખેલાડીઓને સોશિયલ મીડિયા પરથી પોતાની હાજરી મીટાવી દેવાની અને તેમની કિટ બાળી દેવાની અપીલ કરી હતી.
તાલિબાને જ્યારે પ્રથમ વખત અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી હતી ત્યારે મહિલાઓ પર અત્યંત આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા અને તેમના પર પાશવી અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. 1996થી 2001 દરમિયાન અફઘાન પર તાલિબાની શાસન રહ્યું હતું અને આ દરમિયાન મહિલાઓને કામ કરવાની અને છોકરીઓના સ્કૂલે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આજે પણ મહિલાઓની આવી જ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.