- નીરજ ચોપરાની સફળતાને યાદગાર બનાવવા AFIની પહેલ
- નીરજ ચોપરાના જીતના દિવસે હવે દર વર્ષે જેવેલિન થ્રો ટૂર્નામેન્ટ યોજાશે
- નીરજ ચોપરાએ પણ આ બાબતે ફેડરેશનનો આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો હતો. ભાલા ફેંક સ્પર્ધામાં આ ખેલાડીએ દેશને એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ અપાવ્યો છે. આ સાથે જ તે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
નીરજની આ સિદ્વિ પર હાલમાં તો ચોતરફથી પુરસ્કારની વર્ષા થઇ રહી છે. આવી સ્થિતિમાં હવે એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પણ તેના માટે પુરસ્કારની જાહેરાત કરી છે.
નીરજ ચોપરાની આ સફળતાને વધુ યાદગાર બનાવવા માટે AFI (Athletics Federation of India)એ મોટો નિર્ણય લીધો હતો. નીરજે 7 ઑગસ્ટે મેડલ જીત્યો હતો ત્યારે હવે AFIએ નક્કી કર્યું છે કે, આ દિવસે દર વર્ષે રાજ્ય કક્ષાની જેવેલિન થ્રો ટૂર્નામેન્ટનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવશે.
નીરજ ચોપરાના સન્માનમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન AFIએ આ પહેલની જાહેરાત કરી હતી. AAIના અધિકારીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે દર વર્ષે 7 ઑગસ્ટ, જેવેલિન થ્રોની ટૂર્નામેન્ટનું રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવશે. ધીરે ધીરે અમે તેને જીલ્લા કક્ષા સુધી લઇ જઇશું અને આગળ વધારીશું.
આ પહેલ પર નીરજ ચોપરાએ ખુશી વ્યક્ત કરીને ફેડરેશનનો આભાર માન્ય હતો. નીરજે કહ્યું હતું કે, હું તે સાંભળીને ખૂબ જ ખુશ છું. હું ફેડરેશનને આભારી છું. તેઓએ મારા દિવસને યાદગાર બનાવ્યો છે. મને ખુશી છે કે, હું મારા દેશ માટે પ્રેરણા બની શક્યો છું. બાળકો પણ મને જોઇને વધુ પ્રેરિત થશે. જુનિયર રમતવીરો પણ ભાલા ફેંકમાં આગળ આવીને દેશનું નામ રોશન કરશે.