- અર્જુન તેંડુલકરે મુંબઇની સીનિયર ટીમમાં કર્યું ડેબ્યૂ
- હવે ટૂંક સમયમાં IPLની હરાજીમાં થઇ શકે છે સામેલ
મુંબઇ: ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે શુક્રવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇની સીનિયર ટીમ માટે હરિયાણા વિરુદ્વ ડેબ્યૂ કર્યું. ડાબા હાથના ઝડપી બોલર અર્જુન તેંડુલકરને આનો લાભ થશે.
મુંબઇની બેટિંગ દરમિયાન અર્જુનને બેટિંગ બતાવવાો ખાસ મોકો ન મળ્યો. કેમ કે, તે છેલ્લા બેસ્ટમેન તરીકે મેદાને ઉતર્યો હતો. પરંતુ બોલિંગમાં અર્જુને સારી શરૂઆત કરતાં હરિયાણાના ઓપનર ચેતેન્ય બિશનોઇની વિકેટ ઝડપી હતી.
અર્જુન તેંડુલકરને એક બીજા ઝડપી બોલર કૃતિક હનાગાવાડી સાથે મુંબઇ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે 22 ખેલાડીઓની પસંદગી માટે અનુમતિ આપ્યા બાદ સલિલ અંકોલાવાળી પસંદગી સમિતિએ તેમની પસંદગી કરી હતી.
લોકડાઉન પહેલાં સુધી રમાયેલ ક્લબ સ્તરની મેચોમાં અર્જુને પોતાના બોલિંગ કૌશલ્યમાં ઘણો સુધારો કર્યો છે. લોકડાઉન દરમિયાન અર્જુને ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું. આ કારણે જ અર્જુનને ટીમમાં સ્થાન મળ્યું. મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂનો લાભ એ થશે કે, અર્જુન આવતાં મહિને ફેબ્રુઆરીમાં થનારી આઇપીએલની હરાજીમાં ભાગ લઇ શકશે.
અર્જુન મુંબઇ માટે જુદી જુદી વયની ગ્રુપ ટુર્નામેન્ટ રમતો રહ્યો છે. તે ભારતની રાષ્ટ્રીય ટીમની નેટમાં પણ બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તે વર્ષ 2018માં શ્રીલંકાના પ્રવાસે ગયેલી અંડર-19 ટીમમાં પણ જોડાયો હતો.
(સંકેત)