Site icon Revoi.in

કોરોના વિરુદ્વની જંગમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હવે ભારતની મદદે આવ્યું, કરશે 37 લાખ રૂપિયાનું દાન

Social Share

નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના સંક્રમણ તાંડવ મચાવી રહ્યું છે. બીજી લહેર દિવસે દિવસે ઘાતક બની રહી છે. આ સંકટકાળમાં ભારતને ઓસ્ટ્રેલિયા તરફથી સહયોગ મળ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસ વિરુદ્વની જંગમાં ભારતની મદદ માટે આગળ આવ્યું છે.

ભારતને મદદ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી હતી કે, તે કોરોના સંકટને પહોંચી વળવા માટે ભારતને 50 હજાર ડોલર એટલે કે લગભગ 37 લાખ રૂપિયાનું દાન કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને યુનિસેફ ઓસ્ટ્રેલિયા ભારતની મદદ માટે ફંડ એકત્ર કરશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે છે ગાઢ મિત્રતા

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાઢ મિત્રતા છે અને તેણે 50 હજાર ડોલર એટલે કે લગભગ 37 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઈઓ નીક હોકલેએ કહ્યું કે પેટ કમિન્સ અને બ્રેટ લીએ ગત અઠવાડિયે અમારું હ્રદય જીતી લીધુ જ્યારે તેમણે ભારતની મદદ માટે પૈસા દાન કર્યા. તે ભાવનામાં અમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને યુનિસેફ ઓસ્ટ્રેલિયા સાથે ધન ભેગુ કરવાનું કામ કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના CEO નીક હોકલેએ કહ્યું કે, અમે ભારતના લોકોને સહાયતા કરીશું. ઓક્સિજન, ટેસ્ટિંગ કિટ અને રસીની સાથે હેલ્થ સિસ્ટમ પર કામ કરવામાં આવશે. અગાઉ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે પણ ભારતની મદદ માટે 37 લાખ રૂપિયા પીએમ કેર્સ ફંડમાં દાન કર્યા હતા.

(સંકેત)