Site icon Revoi.in

ફરિયાદ બાદ BCCI એક્શનમાં, બોલ બનાવતી કંપનીને બોલની ગુણવત્તાની સમીક્ષા કરવા કહ્યું

Social Share

નવી દિલ્હી: BCCIએ એક મહત્વનું પગલું લીધું છે. BCCIએ સન્સ્પેરેલ્સ ગ્રીનલેન્ડ્સને પોતાના બોલની ગુણવત્તાની સમીક્ષા કરવા કહ્યું છે. આ કંપની તે બોલ બનાવી રહી છે, જેનો ઉપયોગ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝમાં થઇ રહ્યો છે. ભારતીય સૂકાની વિરાટ કોહલી અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ એસજી બોલની ક્વોલિટીને લઇને ફરિયાદ કરી હતી. પ્રથમ ટેસ્ટ બાદ તેમણે બોલની ગુણવત્તાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી.

સન્સ્પેરેલ્સ ગ્રીનલેન્ડ્સ (SG) માર્કેટિંગ ડિરેક્ટરે કહ્યું કે, બીસીસીઆઇએ આ મામલે જોવા કહ્યું છે. અમે તેમને કહ્યું છે કે અમે આને પારખીશું. કેટલાક ખેલાડીઓએ પીચ અંગે પણ ફરિયાદ કરી છે તો અમે આ પ્રકારની પીચ પર પણ બોલના રિએક્શનને જોવું પડશે. બોલને પરખીશું અને સારું કરવાના પ્રયાસ કરીશું. બોલની મજબૂતી અને ટકાઉપણાની પણ તપાસ કરશે.

આગળ તેમણે કહ્યું કે, અમે એવા બોલ બનાવીશું જે ટકી શકે. અમે બોલની સિલાઇ માટે એવું મટિરિયલ શોધીશું જે સખત અને રફ પીચ પર પણ ટકી શકે અને તેનો સામનો કરી શકે.

જો કે, ફરિયાદ છતાં પ્રથમ ટેસ્ટ માટે આવેલા કેટલાક બોલ બીજી ટેસ્ટમાં પણ ઉપયોગમાં લેવાશે. તેનું કારણ છે બન્ને ટેસ્ટ મેચ વચ્ચેનો ઓછો સમય. જ્યારે સીરિઝની બીજી ટેસ્ટ મેચ પણ ચેન્નઇમાં શનિવારથી રમાશે.

(સંકેત)