ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ડ્રો થશે તો બંને ટીમને વિજેતા જાહેર કરાશે
- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ડ્રો થશે તો શું થશે
- ICCએ આપ્યો જવાબ – ડ્રો કે ટાઇની સ્થિતિમાં બંને ટીમને વિજેતા જાહેર કરાશે
- તે ઉપરાંત 23 જૂનના દિવસને રિઝર્વ ડે તરીકે રખાયો છે
નવી દિલ્હી: આગામી સમયમાં ઇંગ્લેન્ડમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે કેટલાક ક્રિકેટ ચાહકોને એ જાણવાનું કૂતુહલ છે કે, જો આ ટેસ્ટ મેચ ડ્રો કે ટાઇ થશે તો કોણ વિજેતા જાહેર થશે.
હવે ICCએ ક્રિકેટ ચાહકોના આ સવાલનો જવાબ આપતા કહ્યું છે કે, જો આ મેચ ડ્રો કે ટાઇ થશે તો ભારત અને ન્યૂઝીલેન્ડને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. જો આ મેચ દરમિયાન વરસાદ કે અન્ય કોઇ વિધ્ન આવશે તો 23 જૂનના રોજ પણ મેચનું આયોજન થશે. ICCએ 23 જૂનને રિઝર્વ ડે રાખ્યો છે. જેથી અગાઉના પાંચ દિવસ દરમિયાન જો સંપૂર્ણ રમત ના રમાઇ તો રિઝર્વ ડેના દિવસે મેચ રમાશે.
ટેસ્ટ મેચમાં સમયનુ મહત્વ વધારે છે.જોકે આઈસીસીનુ કહેવુ છે કે, બંને ટીમોમાંથી કોઈ ટીમ સમય વેડફે છે કે કેમ તેના પર પણ નજર રાખવામાં આવશે.
મહત્વનું છે કે, 18 થી 22 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. આ માટે 23 જૂન રિઝર્વ ડે રહેશે. પહેલી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ યોજાવા જઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ જવા માટે રવાના થશે. હાલમાં ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઇમાં ક્વોરેન્ટાઇનમાં છે.