- ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સન્યાસ
- તેણે 69 ટેસ્ટમાં 40થી વધુની સરેરાશથી 4163 રન કર્યા છે
- તેણે આ ફોર્મેટમાં કુલ 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાની ટીમના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસી એ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે બુધવારે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયની જાણકારી આપી. તેણે પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી. ડુપ્લેસીની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 69 ટેસ્ટમાં 40થી વધુની સરેરાશથી 4163 રન કર્યા છે. તેણે આ ફોર્મેટમાં કુલ 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે.
ડુપ્લેસીએ લખ્યું કે, આ આપણા સૌ માટે મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવાનું વર્ષ રહ્યું. ક્યારેક અનિશ્વિતતા પણ રહી, પરંતુ અનેક પાસાઓને લઇને મારો સ્પષ્ટ મત ઊભો થયો. મારું દિલ સાફ છે અને આ નવા અધ્યાયની શરૂઆત કરવા માટે યોગ્ય સમય છે.
તેણે વધુમાં કહ્યું કે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે, પરંતુ હવે મારા માટે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. ડુપ્લેસીએ કહ્યું કે, આગામી બે વર્ષે આઇસીસી ટી20 વર્લ્ડ કપ હશે. આ કારણે હું મારું ધ્યાન આ ફોર્મેટ માટે કેન્દ્રીત કરી રહ્યો છું. તેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ અને ટી20ની કેપ્ટન્સીનું પદ છોડી દીધું હતું. તેણે 2016માં એબી ડિવિલિયર્સ બાદ આ જવાબદારી સંભાળી હતી.
દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે મારી ટેસ્ટ કારકિર્દી ખતમ કરવા માંગતો હતો. મારા માટે આ એવું જ હતું કે જિંદગી ફરીને એક સ્થળે આવી ગઈ હોય. મૂળે તેણે 2012માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ એડિલેડમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
(સંકેત)