- યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી
- યોકોવિચે છઠ્ઠુ વિમ્બલડન ટાઇટલ જીત્યું
- ફેડરર અને નાદાલના રેકોર્ડની કરી બરાબરી
નવી દિલ્હી: વિશ્વના નંબર 1 ખેલાડી નોવાક યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. યોકોવિચે વિમ્બલડન ટાઇટલ જીતી લીધું છે. વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની રવિવારે રમાયેલી ફાઇનલમાં તેણે ઇટાલીના મેતેઓ બેરેટિનિને પરાજય આપ્યો હતો. 3 કલાક અને 23 મિનિટ ચાલેલી ફાઇનલમાં સર્બિયન સ્ટારે 6-7, 6-4, 6-4, 6-3થી વિજય નોંધાવ્યો હતો.
સળંગ ત્રીજી વખત નોવાક યોકોવિચે વિમ્બલડન ટાઇટલ પોતાના નામે કર્યું છે. વર્ષ 2018 અને વર્ષ 2019માં પણ તેણે આ ટાઇટલ હાંસિલ કર્યું હતું. ઓવરઓલ તેનું આ છઠ્ઠુ વિમ્બલડન ટાઇટલ છે. આ વિજય સાથે તેણે હવે સ્વિટઝર્લેન્ડના રોજર ફેડરર અને સ્પેનિસ સ્ટાર રાફેલ નાદાલના 20-20 ગ્રાન્ડ સ્લેમની બરોબરી કરી લીધી છે.
યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી સફળ રહ્યો છે અને ત્યારબાદ વિમ્બલડનમાં તેણે સૌથી વધુ ટાઈટલ જીત્યા છે. તેણે નવ ઓસ્ટ્રેલિયન ઓપન, બે ફ્રેન્ચ ઓપન, છ વિમ્બલડન અને ત્રણ યુએસ ઓપન એક કુલ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન ટાઈટલ પણ જીત્યા છે. આમ આ વર્ષે તે ત્રણેય ગ્રાન્ડ સ્લેમમાં ચેમ્પિયન રહ્યો છે.
ફાઈનલમાં યોકોવિચની શરૂઆત સારી રહી ન હતી. તેણે બેરેનિટિ સામે પ્રથમ સેટ ગુમાવી દીધો હતો. ત્યારે લાગી રહ્યું હતું કે બેરેટિનિ અપસેટ સર્જી શકે છે. જોકે, યોકોવિચે પોતાના અનુભવનો પૂરો ઉપયોગ કર્યો હતો અને સહેજ પણ ધીરજ ગુમાવ્યા વગર રમત રમી હતી અને રમત જીતી લીધી હતી.