- ભારત-ઇંગ્લેન્ડની પ્રથમ ટી-20 મેચમાં જ ભારતની કંગાળ શરૂઆત
- ઇંગ્લેન્ડે પ્રથમ મેચમાં જ ભારતને 8 વિકેટે હરાવ્યું
- ભારત વર્ષની પ્રથમ ટી-20 મેચ હારી ગયું છે
અમદાવાદ: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચાલુ થયેલી ટી-20 સિરીઝની શરૂઆત ભારત માટે નિરાશાજનક રહી છે. ટી-20 સિરીઝના પ્રથમ મેચમાં જ ભારતે ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ મેચ જીતીને ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત વર્ષની પ્રથમ ટી-20 મેચ હારી ગયું છે.
ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઓપનર્સ જેસન રોય તેમજ જોસ બટલરે ટીમને સારી શરૂઆત અપાવતા 72 રનની ભાગીદારી કરી હતી, જોસ બટલર યુઝવેન્દ્ર ચહલના બોલિંગમાં લેગબિફોર થયો હતો. તેણે 24 બોલમાં 2 ફોર તેમજ 1 સિક્સની મદદથી 28 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. વિરાટ કોહલીએ ટોસ વખતે જણાવ્યું કે, ઓપનર રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે અને ઓપનર તરીકે શિખર ધવન જ્યારે ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતનો સ્કોર 20 ઓવરના અંતે 124/7 રહ્યો છે જેને પગલે ઈંગ્લેન્ડ સામે જીત માટે 125 રનનો લક્ષ્યાંક છે.
ભારતની કંગાળ શરૂઆત રહી હતી અને બીજી ઓવરના બીજા બોલ પર જ ઓપનર કે એલ રાહુલ 1 રન કરીને જોફ્રા આર્ચરના બોલ પર બોલ્ડ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી પણ ખાસ રમત દાખવી શક્યો નહતો અને ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર રાશીદની ઓવરમાં શૂન્ટ પર કેચ આઉટ થયો હતો. શિખર ધવન પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી પરંતુ તે પણ નિષ્ફળ નિવડતા 4 રનના વ્યક્તિગત સ્કોર પર વૂડની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારતે 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવતા સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જો કે ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા રિષભ પંતે પોતાના અંદાજ મુજબ રમત રમી હતી અને 21 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે 36 બોલમાં અડદી સદી ફટકારી ટીમની લથડેલી બાજીને સંભાળી હતી. ઐયરે 48 બોલમાં 67 રન કર્યા હતા જેમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
મિડલ ઓર્ડરમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઝડપી 21 બોલમાં 19 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી જેમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સરનો સમાવેશ થાય છે. ઐયર અને પંડ્યા વચ્ચે 54 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતે સાત વિકેટ ગુમાવીને 124 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે આદિલ રાશીદ, માર્ક વૂડ, ક્રિસ જોર્ડન અને બેન સ્ટોક્સે એક-એક વિકેટ ઝડપી હતી.
(સંકેત)