- ICC ટી-20 રેન્કિંગની તાજેતરની યાદી જાહેર થઇ
- ICC T20 રેન્કિંગમાં ભારતીય ટીમ બીજા સ્થાન પર પહોંચી
- ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પ્રથમ ક્રમાંકે છે
નવી દિલ્હી: ICC ટી 20 રેન્કિંગની તાજેતરની યાદી બહાર પડી છે. તેમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બીજા નંબર પર પહોંચી ગઇ છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પ્રથમ ક્રમે છે જ્યારે વનડે રેન્કિંગમાં ભારતીય ટીમ બીજા ક્રમે છે. ઑસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડ વિરુદ્વ 5 મેચોની ટી20 સીરિઝમાં 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ આરોન ફિંચની કંગારુ ટીમ રેન્કિંગમાં ત્રીજા નંબરે સરકી ગઇ છે. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ સ્થાને છે અને ભારતથી તેના 7 પોઇન્ટ્સ વધુ છે.
ભારત હવે ઇંગ્લેન્ડ વિરુદ્વ 5 મેચોની ટી-20 સીરિઝમાં 12 માર્ચથી મેદાને ઉતરશે અને આ ગેપ ભરવા માટે ભારતીય ટીમ પૂરી રીતે કમર કસશે. ટી-20માં બેટ્સમેનના રેન્કિંગ વિશે વાત કરીએ તો આરોન ફિંચ બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્વ ટી-20 સીરિઝમાં ફિંચે ખૂબ જ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને આ જ પ્રદર્શનને કારણે તેઓ રેન્કિંગમાં ઉપરના ક્રમે પહોંચી ચૂક્યા છે. જ્યારે ભારતીય ટીમના બેટ્સમેન કે એલ રાહુલ એક નંબર સરકીને ત્રીજા નંબરે છે.
કે એલ રાહુલને એક સ્થાનનું નુકસાન થયું છે તો કોહલી છઠ્ઠા નંબર પર જ યથાવત્ છે. ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન પણ દસમાં સ્થાન પર છે તો ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલને ઓસ્ટ્રેલિયા વિરુદ્વ શાનદાર બોલિંગનો ફાયદો મળતા અને તેઓ ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ટોપ ટેનમાં પહોંચી ચૂક્યા છે અને આઠમાં ક્રમાંકે છે. બોલર કે ઑલરાઉન્ડરના રેન્કિંગમાં કોઇ ભારતીય ખેલાડીને સ્થાન નથી મળ્યું. ટી-20 બોલરોની રેન્કિંગમાં રાશિદ ખાન પ્રથમ ક્રમે છે જ્યારે ઓલરાઉન્ડરની રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે અફઘાનિસ્તાનના મો.નબી છે.
(સંકેત)