કોવિડના ઑમિક્રોન વેરિએન્ટનો વધતો પ્રકોપ, હવે ICCએ ક્રિકેટની આ મોટી ટૂર્નામેન્ટ રદ કરવી પડી
- કોરોનાનો પ્રકોપ વધ્યો
- ખતરો જોતા ICCએ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ રદ કરવી પડી
- સતર્કતાના ભાગ રૂપે આ પગલું લીધુ
નવી દિલ્હી: કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોન બાદ સમગ્ર વિશ્વમાં ફરીથી હાહાકાર મચ્યો છે. ફરીથી કોવિડની નવી લહેરને લઇને અનેક દેશો ચિંતિત થયા છે. વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડમાં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ રમવાનો છે. જો કે કોરોના વાયરસના ખતરાને જોતા ICC Women’s Cricket World Cup Qualifier રદ કરવાની નોબત આવી છે.
કોવિડના ખતરાને જોતા સાવચેતી અને સંક્રમણ વધુ ના ફેલાય તે માટે ઝીમ્બાબ્વેમાં રમાનાર ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ કોવિડનાં ખતરાના કારણે રદ કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકામાં ફેલાયેલા કોવિડના નવા વેરિએન્ટના કારણે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
આપને જણાવી દઇએ કે વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડમાં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ રમવાનો છે. જેના માટે ત્રણ ટીમો સિલેક્ટ કરવા માટે હાલમાં ઝીમ્બાબ્વેમાં ક્વોલિફાયર રાઉન્ડ ચાલી રહ્યો છે. જો કે હવે ટૂર્નામેન્ટ રદ કરવાની નોબત આવી છે.
વૈજ્ઞાનિકો સાઉથ આફ્રિકામાં ફેલાયેલા ઓમિક્રોન વેરિએન્ટ અંગે ખૂબ જ ભયભીત છે અને વિશ્વને ચેતવણી આપી રહ્યાં છે. નવા વેરિએન્ટથી ખતરાની ઘંટડી વાગી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ સતર્ક અને સચેત બની ગયું છે. વિશ્વમાં કોવિડની ત્રીજી લહેરની ભીતિ પણ સેવાઇ રહી છે.
નોંધનીય છે કે, વાયરસના પ્રકારને કોઈ દેશના નામ પર રાખવાની કોઈ સત્તાવાર પરવાનગી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ સૂચના આપી છે કે કોઈ વેરિએન્ટને તેના મૂળ દેશ તરીકે નામ ન આપવું જોઈએ. બોત્સ્વાનાને સૌથી વધુ 32 મ્યુટેશન B.1.1.529 મળ્યા હોવાથી તેને ઓમિક્રોન વેરિએન્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.