- આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રુંખલાની ચોથી મેચ રમાશે
- આજે ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ
- આ વચ્ચે ભારતીય ટીમમાં કેટલાક ફરેફાર થવાની શક્યતા
નવી દિલ્હી: ગત મેચમાં થયેલી હાર બાદ ટીમ ઇન્ડિયા માટે ચોથા મેચમાં કરો યા મરોની સ્થિતિ છે. આજે ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ વિરુદ્વ ચોથી ટી-20 મેચ યોજાવા જઇ રહી છે. ભારતની ટીમ ઇંગ્લેન્ડથી સિરીઝમાં 1-2થી પાછળ છે. હવે એક હારનો અર્થ થાય છે સિરીઝ ગુમાવવી. એવામાં ટીમ ઇન્ડિયાન કોઇપણ સ્થિતિમાં ચોથી ટી20 જીતવાનો પ્રયાસ કરશે. હવે અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે ભારતીય ટીમ કઇ પ્લેઇંગ ઇલેવનની સાથે મેદાન પર ઉતરશે.
ત્રીજી ટી20નું પ્રદર્શન અને ચોથી ટી20ની અગત્યતાના આધાર પર કદાચ ટીમ ઇન્ડિયા કેટલાક નિર્ણય લઇ શકે છે. જેમ કે કે એલ રાહુલ 3 મેચમાં માત્ર 1 રન જ કરી શક્યો છે અને સ્પષ્ટ વાત છે કે તેનું ફોર્મ સારું નથી તો તેને બહાર કરીને સૂર્યકુમાર યાદવને ફરી તક આપવામાં આવે તેવી સંભાવના છે. સૂર્યકુમારને બીજી ટી20માં ડેબ્યૂ કરાયા બાદ બેટિંગ કરાયા વગર જ ત્રીજી ટી 20થી બહાર કરી દેવામાં આવ્યો હતો.
એવો પણ અંદાજ લગાવાઇ રહ્યો હતો કે ટીમ ઇન્ડિયાન કે એલ રાહુલના સ્થાને ઇશાન કિશન પાસે ફરી એક વાર ઓપનિંગ કરાવશે. રોહિત શર્મા તેનો ઓપનિંગ પાર્ટનર હશે. ત્યારબાદ વિરાટ કોહલી ફરી એકવાર ત્રીજા નંબર પર રમશે. ઋષભ પંત, શ્રેયસ અય્યરનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવને છઠ્ઠા નંબર પર તક આપવામાં આવી શકે છે.
7માં નંબર પર હાર્દિક પંડ્યા તેમજ વોશિંગ્ટન સુંદર પણ હશે. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલ પણ આ વખતે મેચમાં રમે તેવી શક્યતા છે. જો કે યુજવેન્દ્ર ચહલના ફોર્મને જોતા તેના સ્થાને અક્ષર પટેલને આ મેચમાં તક આપવામાં આવે તો ટીમ વધુ મજબૂત બની શકે છે.
(સંકેત)