કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે GCAનો મોટો નિર્ણય, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચ પ્રેક્ષકો વગર રમાશે
- રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય
- ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બાકી રહેલી ત્રણેય ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે
- જે લોકોએ ટિકિટ ખરીદી છે તે લોકોને ટિકિટના પૈસા રિફંડ અપાશે
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં લઇને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી પાંચ ટી20 ક્રિકેટ મેચની સિરીઝની બાકી રહેલી ત્રણ ટી20 મેચ પ્રેક્ષકો વગર જ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ત્રણ ટી 20 મેચ માટે જે લોકોએ ટિકિટો ખરીદી હશે તે લોકોને રિફંડ આપવામાં આવશે.
આ નિર્ણય અંગે વાત કરતા જીસીએને ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કહ્યું હતું કે, કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા જીસીએ દ્વારા BCCI સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટી20 મેચની સિરીઝની બાકી રહેલી ત્રણ મેચ પ્રેક્ષકો વગર રમાડવામાં આવશે. જે લોકોએ આ ત્રણ મેચોની ટિકિટ લીધી હશે તે લોકોને ટિકિટનું રિફંડ આપવામાં આવશે.
અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બંને ટી20માં મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા અને આ દરમિયાન ઘણા લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની સિરીઝ હાલમાં 1-1થી સરભર છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે વિજય નોંધાવ્યો હતો જ્યારે રવિવારે રમાયેલી બીજી ટી20માં કેપ્ટન વિરાટ કોહલી અને કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા ઈશાન કિશનની તોફાની અડધી સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે વિજય હાંસલ કર્યો હતો.
(સંકેત)