ટોક્યો ઓલિમ્પિક્સ: મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
- ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ
- ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ
- હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં 10મો દિવસ ભારતને ફળ્યો હતો. ભારતીય મેન્સ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે.
આપને જણાવી દઇએ કે રવિવારે જ્યારે ભારતીય પુરુષ ટીમે ગ્રેટ બ્રિટનને મ્હાત આપીને 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે તો આજે ભારતીય મહિલા હોકી ટીમે વિશ્વની દમદાર ટીમ ઓસ્ટ્રેલિયાને મ્હાત આપીને પ્રથમવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
મેચ દરમિયાન ભારતે બીજી ક્વાર્ટરની છઠ્ઠી મિનિટ પર પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને લીડ અપાવી હતી. ઓલિમ્પિકની વાત કરીએ તો ઓલિમ્પિકમાં ગુરજીતનો આ પ્રથમ ગોલ છે.
નોંધનીય છે કે, ભારતીય મહિલા હોકી ટીમે પોતાની અંતિમ બે મેચોમાં આયર્લેન્ડ તેમજ સાઉથ આફ્રિકાને હરાવી 6 પોઇન્ટ સાથે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ટીમ પૂલ એમાં ચોથા સ્થાને રહી. દરેક પૂલની ચાર ટીમો નોકઆઉટ સ્ટેજમાં પહોંચે છે.