- ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની હરાજી
- આજે એટલે કે ગુરુવારે બપોરે 3 કલાકે હરાજી શરૂ થશે
- કુલ મળીને 292 ખેલાડીઓની હરાજી થવાની છે
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની હરાજી આજે યોજાવા જઇ રહી છે. આ હરાજીમાં 2020માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ગ્લેન મેક્સવેલને ફેવરિટ માનવામાં આવી રહ્યો છે. આવી જ રીતે ઇંગ્લેન્ડના મોઇન અલી તેમજ ડેવિડ મલાન પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. જો કે મોટા ભાગની ફ્રેન્ચાઇઝીએ પ્લેયર્સને રિટેઇન કરતી વખતે પોતાના બજેટનો ઉપયોગ કરી લીધો હોવાથી આ વખતે આઠેય ફ્રેન્ચાઇઝીએ પ્લાનિંગ સાથે બજેટનો ઉપયોગ કરવો પડશે. આ હરાજીની શરૂઆત ગુરુવારે બપોરે 3 કલાકે શરૂ થશે.
ગુરુવારે કુલ મળીને 292 ખેલાડીઓની હરાજી થવાની છે, જેમાં 164 ભારતીય અને 125 વિદેશી ખેલાડીઓ ઉપરાંત એસોસિએટ્સ દેશના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. હાલમાં જ સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા કેરળના મોહમ્મદ અઝહરુદ્દીન પણ આ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર રહી શકે છે. મુસ્તાક અલી ટી-20માં મુંબઈ સામે માત્ર 37 બોલમાં 11 સિક્સ સાથે તેણે સદી ફટકારી હતી.
હાલની સ્થિતિમાં કુલ 8 ટીમો પાસે 61 ખેલાડીઓની જગ્યા છે, જ્યારે હરાજી માટે 292 ખેલાડીઓ છે. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે સૌથી વધુ 11 ખેલાડીઓની જગ્યા છે. કારણ કે કોહલીની ટીમે આ વખતે ઘણા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જોકે બેંગ્લોર પાસે 35.4 કરોડ રૂપિયાનું જ બજેટ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 10.75 કરોડ અને ત્રણ જગ્યાઓ છે. ખેલાડીઓને ખરીદવા માટે સૌથી વધુ બજેટ કિંગ્સ ઈલેવન પંજાબ પાસે છે. પંજાબની પાસે 9 ખેલાડીઓને ખરીદવા માટે 53.20 કરોડ રૂપિયાનું બજેટ છે.
(સંકેત)