Site icon Revoi.in

Tokyo Olympics: રેસલિંગમાં ભારત ચમક્યું, દીપક પૂનિયા અને રવિ દહિયાએ સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિમાં આજનો દિવસ ભારત માટે મહત્વનો છે. ભારત માટે ખુશીનો દિવસ પણ છે કારણ કે પહેલા ભાલાફેંકમાં નીરજ ચોપડાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો તો હવે ભારતના બે કુસ્તીબાજોએ પણ દમદાર પ્રદર્શન કરતા સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

કુસ્તીમાં આજનો દિવસ ભારત માટે સારો નિવડ્યો છે. ભારતના રેસલર દીપક પૂનિયાએ 6-3થી જીત હાંસલ કરીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ચીનના લીન ઝુશેનને મ્હાત આપી છે.

ભારતના રેસલર રવિ કુમારે 57 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગરિયાના જોર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે 14-4થી જીત મેળવી છે.

રેસલિંગથી ઓલિમ્પિકમાં ડેબ્યુ કરનારા દીપક પૂનિયાએ પણ દમદાર શરૂઆત કરી છે. પુરુષોના ફ્રીસ્ટાઇલ 86 કિલો વર્ગમાં દીપક પૂનિયાએ નાઇજીરિયાના એકરેમેક એગિયોમોરને 12-1થી પરાસ્ત કર્યો છે. આ સાથે દીપક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે.

ભારતના રેસલર રવિ કુમારે પુરૂષ ફ્રી સ્ટાઇલ 57 કિલોવર્ગમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો વિરુદ્ધ 13-2થી શાનદાર જીત હાસિલ કરી છે. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

પોતાની પ્રથમ ઓલિમ્પિક રમવા મેટ પર ઉતરેલી રેસલર અંશુ મલિકે 7-2થી હારનો સામનો કરવો પડ્યો છે. અંશુ મલિક 57 કિલો કેટેગરીમાં મેટ પર ઉતરી હતી. અંસુને બેલારૂસની ઇરિના કુરાચિકિનાએ પરાજય આપ્યો છે.

મહત્વનું છે કે ભાલાફેંક સ્પર્ધામાં ભારતીય એથ્લીટ નીરજ ચોપડાએ દમદાર પ્રદર્શન કરતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ક્વોલિફાઇ કરવા માટે 83.50 મીટર થ્રો ફેંકવો જરૂરી હતો અને નીરજે પોતાના પ્રથમ પ્રયાસમાં 86.50 મીટરનો થ્રો ફેંકી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે.