- IPL 2021ની બાકી મેચોને હવે UAEમાં પૂર્ણ કરવામાં આવશે
- એક અહેવાલ અનુસાર 17 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર વચ્ચે બાકીના મેચો રમાઇ શકે
- આગામી 10 દિવસમાં BCCI અધિકૃત શિડ્યુલ જાહેર કરે તેવી સંભાવના
નવી દિલ્હી: IPL 2021 એટલે કે IPLની 14મી સીઝન કોરોનાને કારણે થોડાક સમય માટે સ્થગિત કરાઇ હતી, જો કે, હવે તેને યૂએઇમાં પૂરી કરવામાં આવશે. થોડાક દિવસ પહેલા BCCIએ જાહેરાત કરી હતી કે, બાકી બચેલી 31 મેચ યૂએઇમાં રમાશે. જો કે તારીખને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જો કે એવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે કે IPLના બીજા ચરણનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે થશે અને ફાઇનલ મેચ 10 ઑક્ટોબરના રોજ રમાશે.
BCCIએ કેરેબિયન પ્રીમિયર લીગને ધ્યાને લઇને શિડ્યુલની જાહેરાત નથી કરી. CPL 28 ઑગસ્ટથી 19 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ કારણે વેસ્ટ ઇન્ડિઝ બોર્ડ સાથે આ લીગને 7 થી 10 દિવસ પહેલા યોજવાને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, આગામી 10 દિવસમાં BCCI અધિકૃત રીતે તારીખ અને શિડ્યુલની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI હજુ પણ ઇંગ્લિશ ખેલાડીઓના IPLમાં રમવાને લઇને બોર્ડ સાથે વાત કરી રહ્યાં છે.