ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ: ટીમ ઇન્ડિયાને ઝટકો, કે એલ રાહુલ થયો ઇજાગ્રસ્ત, ટેસ્ટ સીરિઝમાંથી આઉટ
- ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક ઝટકો
- ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલને કાંડામાં વાગતા થયો ઇજાગ્રસ્ત
- હવે તે ઇજાગ્રસ્ત થતા બાકીની બંને ટેસ્ટ મેચ રમી નહીં શકે
સિડની: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને પ્રેક્ટિસ મેચ દરમિયાન ડાબા કાંડામાં ઇજા થઇ હતી. હવે તે ઇજાગ્રસ્ત થતા બાકીની બંને ટેસ્ટ મેચ રમી શકશે નહીં. મેલબર્નમાં ભારતીય ટીમની પ્રેક્ટિસ દરમિયાન શનિવારે તેને ડાબા કાંડમાં ઇજા પહોંચી હતી. તેમાંથી બહાર આવતાં તેને 3 સપ્તાહનો સમય લાગી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ માહિતી આપી હતી.
બીસીસીઆઇના નિવેદન અનુસાર મેલબર્નમાં ટીમ ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન રાહુલના કાંડામાં ઇજા પહોંચી હતી. તેમાંથી સાજા થતાં અને ફિટનેસ મેળવવામાં રાહુલને અંદાજે 3 સપ્તાહનો સમય લાગી શકે છે.
રાહુલ હવે ભારત પાછો ફરશે અને બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જશે જ્યાં તેનું રિહેબિલિટેશન શરૂ થશે. રાહુલ જો કે ઓસ્ટ્રેલિયા સામેની હાલની ટેસ્ટ સીરિઝમાં એકપણ મેચ રમી શક્યો ન હતો. ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમ હાલમાં 1-1ની બરોબરી પર છે. આપને જણાવી દઇએ કે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીના રોજ સિડનીમાં યોજાશે.
(સંકેત)