28 વર્ષ બાદ મેસીનું સપનું થયું સાકારઃ આર્જેન્ટિના કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું, બ્રાઝીલને 1-0થી કર્યું પરાસ્ત
- 28 વર્ષના દુકાળ બાદ લિયોનલ મેસીનું સપનું થયું સાકાર
- બ્રાઝિલને હરાવીને કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું આર્જેન્ટિના
- સમગ્ર મેચ દરમિયાન આર્જેન્ટિનાની ટીમ રહી હાવી
નવી દિલ્હી: અંતે 28 વર્ષના દુકાળ બાદ લિયોનલ મેસીનું સપનું સાકાર થયું છે. કોપા અમેરિકા કપની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ બ્રાઝિલને હરાવીને પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટાઇટલ પર કબજો જમાવી દીધો છે. આર્જેન્ટિનાએ ફાઇનલમાં 1-0થી બ્રાઝિલને પરાસ્ત કરીને કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું હતું. આર્જેન્ટિના તરફથી 22મી મિનિટે એન્જેલ ડિમારીયાએ બ્રાઝીલના ગોલકીપરને ચકમો આપીને બોલને ધીમેથી ગોલપોસ્ટમાં ધકેલીને શાનદાર ગોલ કર્યો હતો. બ્રાઝીલના આક્રમક એટેક છતા પણ તે એકપણ ગોલ કરવામાં અસમર્થ રહ્યું હતું. 90 મિનિટ પ્લસ પાંચ મિનિટના વધુ સમય બાદ ફાઇનલ વ્હિસલ વાગતા જ આર્જેન્ટિના ચેમ્પિયન બની ગયું હતું.
આર્જેન્ટિનાની ટીમ સમગ્ર મેચ દરમિયાન હાવી રહી હતી. નેમારની ટીમે ગોલ કરવાની અનેક તડ વેડફી દીધી હતી. આ સાથે જ આર્જેન્ટિનાએ 2019માં કોપા અમેરિકાની સેમિફાઇનલમાં હારનો બદલો પણ લીધો હતો. પ્રથમ હાફ સુધી બ્રાઝીલ રક્ષણાત્મક રમત રમ્યુું હતું, જો કે બીજા હાફમાં તેણે અનેક એટેક કર્યા હતા. પરંતુ આર્જેન્ટિનાના ગોલકીપરે દરેકને નિષ્ફળ બનાવ્યા હતા.
નોંધનીય છે કે, 1993 પછ આર્જેન્ટિનાએ આ પ્રથમ આંતરાષ્ટ્રીય મોટું ટાઈટલ મેળવ્યું છે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસી 2007, 2015 અને 2016માં ટીમનો હિસ્સો રહ્યો હતો પરંતુ ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નહતો. મેસીને સૌથી વધુ ગોલ સ્કોરરનો ખિતાબ અપાયો હતો તેમજ તેને અને નેમારને બન્નેને શ્રેષ્ઠ ખેલાડીનો સંયુક્ત ખિતાબ આપવામાં આવ્યો હતો.