મિતાલી રાજએ ઇતિહાસ રચ્યો, કારકિર્દીમાં 20 હજાર રન પૂર્ણ કર્યા અને સતત 5 વન-ડેમાં અર્ધસદી ફટકારી
- મિતાલી રાજે રચ્યો ઇતિહાસ
- પોતાની કારકિર્દીમાં 20 હજાર રન પૂરા કર્યા
- સતત પાંચ વનડેમાં અડધી સદી પણ ફટકારી
નવી દિલ્હી: અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન ડે સીરિઝ ચાલી રહી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે 225 રન બનાવ્યા હતા.
ભારત તરફથી સુકાની મિતાલી રાજે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. તેમના સિવાય યસ્તિકા ભાટિયાએ 35 તેમજ રિચા ઘોષે અણનમ 32 રન બનાવ્યા હતા.
આ મેચ દરમિયાન 61 રનની ઇનિંગ રમીને મિતાલી રાજે પોતાની કારકિર્દીમાં 20 હજાર રન પૂરા કર્યા છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજારથી વધુ રન છે. આ ખેલાડીએ સ્થાનિક ક્રિકેટમાં પણ 10 હજાર રન બનાવ્યા છે. મિતાલીએ બીજો એક ઇતિહાસ પણ રચ્યો છે. વનડે ક્રિકેટમાં સતત પાંચમી વખત 50 રનનો આંકડો પાર કર્યો છે.
આ વર્ષે દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ઘરેલુ વનડે સીરિઝની છેલ્લી મેચથી, તે વનડેમાં અડધી સદી ફટકાર્યા વગર આઉટ થઈ નથી. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ત્રણ મેચમાં પચાસ રન બનાવ્યા હતા. છેલ્લી પાંચ વનડેમાં તેનો સ્કોર છે – અણનમ 79, 72, 59, 75 અને 61 રન. આ બીજી વખત છે જ્યારે મિતાલીએ સતત પાંચ વનડેમાં અડધી સદી ફટકારી છે. અગાઉ 2017માં પણ તેણીએ આ કર્યું છે. મિતાલી રાજે સતત સાત વનડેમાં અડધી સદી (Half a century) ફટકારી હતી.
આપને જણાવી દઇએ કે મિતાલી રાજ વન ડે ક્રિકેટમાં સતત બે વખત અડધી સદી ફટકારનાર ત્રીજી ખેલાડી છે. તેમના સિવાય ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી અને ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સે પણ આવું કર્યું છે. પેરીએ આ કામ ત્રણ વખત કર્યું છે. મિતાલી રાજ પાસે વનડે ક્રિકેટમાં સાત હજારથી વધુ રન છે. તે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
નોંધનીય છે કે, મિતાલીની વનડેમાં સાત સદી અને 58 અડધી સદી છે. આ રીતે, તે 50 ઓવર ક્રિકેટમાં મહિલાઓમાં સૌથી વધુ વખત 50 પ્લસ સ્કોર કરવામાં પણ મોખરે છે.