- નીરજ ચોપડા સહિત 11 ખેલાડીઓને ધ્યાનચંદ ખેલરન્ત એવોર્ડ મળશે
- નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ કમિટીએ આ એવોર્ડ માટે 11 નામની ભલામણ કરી હતી
- ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડા, સુનીલ છેત્રી સહિતના ખેલાડીઓને મળશે એવોર્ડ
નવી દિલ્હી: આ વખતની ઓલિમ્પિકની ગેમ્સમાં ભારતનું નામ રોશન કરનારા નીરજ ચોપડા સહિતના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ખેલ મંત્રાલયે નીરજ ચોપડા સહિત 11 ખેલાડીઓ માટે ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ કમિટીએ સૌથી પ્રતિષ્ઠિત ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે 11 ખેલાડીઓના નામની ભલામણ કરી હતી.
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ થયેલા ખેલાડીઓમાં ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડા, ફૂટબોલર સુનીલ છેત્રી, ક્રિકેટર મિતાલી રાજ, બોક્સર લવલીના બોરગોહેન, હોકી ખેલાડી પી શ્રેજેશ, સિલ્વર મેડલ વિજેતા પહેલવાન રવિ દહિયા સામેલ છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડની આશા ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપડા પાસે જ હતી. ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ઇતિહાસ રચ્યો હતો. નીરજે ઓલિમ્પિકમાં જે રીતે ભાલો ફેંક્યો હતો તેનાથી વિશ્વના ધૂરંધર ખેલાડીઓ પણ દંગ રહી ગયા હતા. તેઓ પહેલા જ રાઉન્ડથી ટોપ પર રહ્યા હતા અને 6 રાઉન્ડ સુધી તેમના સ્કોરને કોઇ અડી પણ નહોતું શક્યું.
નોંધનીય છે કે, ઑલિમ્પિકની આ સ્પર્ધામાં ભારતને 13 વર્ષ બાદ બીજો ગોલ્ડ મળ્યો હતો. આ પહેલા ઓલમ્પિક 2008માં ગોલ્ડ મેડલ દિગ્ગજ શુટ અભિનવ બિન્દ્રાએ મેળવ્યો હતો.