Site icon Revoi.in

ભારતીય બેટ્સમેનોનો ધબડકો, ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક પરાજય, સેમિફાઇનલમાંથી લગભગ બહાર

Social Share

નવી દિલ્હી:  ICC-T-20 વર્લ્ડકપમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલા ‘કરો યા મરો’ જંગમાં ભારતીય ટીમનો 8 વિકેટે કારમો પરાજય થયો છે. આ સાથે જ ફરી ભારતીય ક્રિકટ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું પણ લગભગ સમાપ્ત થઇ ગયું છે. આ હાર સાથે જ ભારતનું સેમીફાઇનલમાં પ્રવેશવાની આશા પર પણ લગભગ પાણી ફરી વળ્યું છે. હવે સેમિફાઇનલમાં પહોંચવું હોય તો ભારતે પોતાની બાકીની ત્રણ મેચ જીતવી આવશ્યક છે. તે ઉપરાંત અન્ય ટીમોના પરફોર્મન્સ અને હાર જીત પર પણ મદાર રહેશે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમના નબળા પરફોર્મન્સને કારણે ટીમ 20 ઑવરમાં 7 વિકેટે માત્ર 110 રન બનાવી શકી હતી. જેના જવાબમાં રન ચેઝ કરતા માત્ર 14.3 ઑવરમાં જ બે વિકેટે 111 રન કરીને લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું. આ સાથે ભારતની શરમજનક રીતે હાર થઇ હતી.

ભારતે આપેલા 111 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને શરૂઆતમાં ઝટકો લાગ્યો હતો જ્યારે માર્ટિન ગુપ્ટિલ 20 રન બનાવીને જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લે દરમિયાન 1 વિકેટે 44 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના ઑલરાઉન્ડર ડેરિલ મિચેલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા 35 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 49 રનની ધમાકેદાર બેટિંગ કરી હતી. કેન વિલિયમસને 33 રન બનાવ્યા હતા જ્યારે કોન્વે 2 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમની હારમાં ભારતનું કંગાળ બેટિંગ પ્રદર્શન છે. પાવરપ્લે દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ ઇન્ડિયા પોાતની પાવરપ્લે ઇનિંગમાં માત્ર 2 સિક્સ અને 8 ચોગ્ગા જ ફટકારી શકી હતી. ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન એ હદે ખરાબ રહ્યું હતું કે ટીમે 7 થી લઇને 15 ઑવર સુધી એકપણ બાઉન્ડ્રી ફટકારી ન હતી.

ભારતીય ટીમે આજે અખતરો કરતા આજના મહત્વના મુકાબલામાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ અને ઇશાન કિશન સાથે ઇનિંગની શરૂઆત કરાવી હતી. પરંતુ વિરાટ કોહલીનો આ પ્લાન તદ્દન નિષ્ફળ રહેતા ટીમ ઇન્ડિયાને ત્રીજી ઑવરમાં જ ઇશાન કિશન (4)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ટીમે પાવરપ્લેની છેલ્લી ઑવરમાં કેએલ રાહુલ (18)ના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી.

ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગનું કર્યું પ્રદર્શન

ભારતની શરમજનક હારમાં ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગને પણ શ્રેય જાય છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. બોલ્ટે 4 ઑવરમાં માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઇશ સોઢીને 4 ઑવરમાં 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તો મિલ્ને અને ટીમ સાઉદીએ પણ એક-એક વિકેટ લીધી હતી.