- નેશનલ ક્રિકેટ એકેડમીની કમાન હવે VVS લક્ષ્મણને સોંપાશે
- લાંબી વિચારણા અને મંથન બાદ રાહુલ દ્રવિડને બદલે તેમને સ્થાન અપાશે
- BCCIએ સત્તાવાર રીતે તેની મંજૂરી આપી
નવી દિલ્હી: નેશનલ ક્રિકેટ એકેડમીની કમાન હવે VVS લક્ષ્મણને સોંપાશે. લાંબી વિચારણા અને મનોમંથન બાદ અંતે રાહુલ દ્રવિડનું સ્થાન વી વી એસ લક્ષ્મણને સોંપવામાં આવશે. BCCIએ સત્તાવાર તેની મંજૂરી આપી દીધી છે. રાહુલ દ્રવિડે હાલમાં જ NCAના વડા પદ પરથી રાજીનામું આપ્યું છે. BCCIએ NCAના વડા તરીકે VVS લક્ષ્મણની નિમણૂક કરી છે.
BCCIની વાર્ષિક સામાન્ય સભામાં અન્ય કોચ સાથે તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.
કોલકાતામાં યોજાયેલી બેઠકમાં, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ઝડપી બોલિંગ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલિંગ કોચ ટ્રોય કુલીની નિમણૂક કરવા પર સહમતિ સધાઈ હતી.
BCCIના એક અધિકારી અનુસાર, લક્ષ્મણ સાથે કરાર પહેલા જ થઇ ચૂક્યો છે. તેની છેલ્લી મીડિયા જવાબદારી ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટ છે. તે 13 ડિસેમ્બરથી બેંગલુરુમાં NCAમાં જોડાશે. અંડર-19 આઇસીસી વર્લ્ડ કપ દરમિયાન તે થોડો સમય વેસ્ટ ઇન્ડિઝમાં પણ રહેશે.
BCCIના એક અધિકારીએ કહ્યું કે NCA કોચ હૃષિકેશ કાનિટકર અથવા સિતાંશુ કોટક અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમમાં મુખ્ય કોચની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યુંકે, “અમે એનસીએની તમામ કોચિંગ નિમણૂકોને પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે,”
નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં આગામી 3 ટેસ્ટ અને 3 વન ડે શ્રેણી માટે 20 ખેલાડીઓ સાથે વધારાના નેટ બોલરો પણ મોકલશે. આ 20 સભ્યોમાંથી કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જે હાલમાં A શ્રેણી માટે દક્ષિણ આફ્રિકામાં છે.