નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી નબળા પ્રદર્શનમાંથી પસાર થઇ રહ્યો હોવાથી BCCIએ વિરાટ કોહલીને વનડે કેપ્ટન પરથી હટાવીને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવ્યો છે. જો કે BCCIના આ નિર્ણય બાદથી ટીમમાં કેટલાક મતભેદો જોવા મળી રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, BCCI એ લીધેલા આ નિર્ણયથી વિરાટ કોહલી નારાજ છે અને હવે આ નારાજગી બાદ સાઉથ આફ્રિકામાં યોજાનારી વનડે શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વિરાટે પોતાને અન અવેલેબલ ગણાવ્યા છે.
અહીંયા હવે જ્યારે દક્ષિણ આફ્રિકાની વનડે સીરિઝ માટે રોહિત શર્મા સૂકાની હશે એટલે હવે વિરાટ કોહલી રોહિત શર્માના સૂકાનીપદમાં રમતો જોવા નહીં મળે. 26 ડિસેમ્બરથી ભારતની સાઉથ આફ્રિકા ટૂર શરૂ થશે. જ્યાં તેણે 3 મેચની ટેસ્ટ શ્રેણી તેમજ એટલી જ મેચોની વન-ડે શ્રેણી રમવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી પ્રથમ વનડે મેચ રમાશે.
વિરાટ કોહલી પોતાની પુત્રી વામિકાના જન્મદિવસની ઉજવણી માટે સમય કાઢી રહ્યો છે. ટેસ્ટ સીરિઝ પૂર્ણ થયા બાદ કોહલી પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવાનો પ્લાન બનાવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે અને વનડે મેચ 19 જાન્યુઆરીથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી.
રોહિત શર્માએ અત્યાર સુધી 10 વનડેમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. તેની કેપ્ટનશિપમાં ભારતે એશિયા કપ ટ્રોફી પણ જીતી છે.
અહીંયા નવાઇની વાત એ છે કે, વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને સોંપવામાં આવી છે અને હવે સમાચારો અનુસાર વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી આરામ લેવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીના આરામના સમાચાર પણ ચોંકાવનારા છે કારણ કે તેને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને એક ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો.