ભારતનું ગૌરવ વધ્યું, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીત્યો
- હવે હંગેરીમાં વાગ્યો ભારતનો ડંકો
- વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીત્યો
- અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઇ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન થઇ રહ્યું છે. ગઇકાલે મીરાબાઇ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યા બાદ આજે ભારતીય કુસ્તીબાજ પ્રિયા મલિકે હંગેરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ભારતીય કુસ્તીબાજ પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય કક્ષા પર ભારતનું નામ રોશન કર્યું છે.
આપને જણાવી દઇએ કે ગઇકાલે ટોક્યો ઓલિમ્પિક્સમાં મીરાબાઇ ચાનૂએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ હાંસલ કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે હવે પ્રિયા મલિકે રેસલિંગમાં ગોલ્ડ મેડલ મેળવીને ફરી એકવાર ભારતને ગૌરવાન્તિત કર્યું છે.
પ્રિયા મલિક વિશે
પ્રિયા મલિક હરિયાણાના જીંદ જીલ્લાની રહેવાસી છે. તે ચૌધરી ભરતસિંહ મેમોરિયલ સ્પોર્ટ્સ સ્કૂલ નિદાનીની વિદ્યાર્થીની છે. પ્રિયાના પિતા જય ભગવાન નિદાની ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા છે.
નોંધનીય છે કે પ્રિયા મલિકને મળેલી આ સિદ્વિમાં તેના કોચ અંશુ મલિકને ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. પ્રિયાએ વર્ષ 2020માં આયોજીત નેશનલ સ્કૂલ ઑફ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ ઉપરાંત ગત વર્ષ પટનામાં આયોજીત રાષ્ટ્રીય કેડેડ કુશ્તી સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.