Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

Social Share

નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર શટલર ખેલાડી પીવિ સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં તરખાટ મચાવ્યો છે અને શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું અને દેશ માટે મેડલ જીત્યો. આ સાથે તેણે ઇતિહાસ રચ્યો છે. તેની આ શાનદાર જીત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિનંદન પાઠવતા કહ્યું કે, પીવી સિંધુ બે ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. તેમણે સાતત્ય, સમર્પણ અને શ્રેષ્ઠતાનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભારતને ગૌરવ અપાવવા બદલ તેમના હાર્દિક અભિનંદન.

 

પીએમ મોદીએ ટ્વિટ કરી કે, પીવી સિંધુના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી અમે બધા ઉત્સાહિત છીએ. ટોક્યો 2020માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તે ભારતનું ગૌરવ છે અને આપણા સૌથી ઉત્કૃષ્ટ ઓલિમ્પિયનોમાંથી એક છે.

ગૃહમંત્રી અમિત શાહએ પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, ‘પીવી સિંધુ ખૂબ સારી રીતે રમી. તમે રમત માટે તમારી અપ્રતિમ પ્રતિબદ્ધતા અને સમર્પણને વારંવાર સાબિત કર્યું છે. આ રીતે તમે દેશનું નામ રોશન કરતા રહો. અમને તમારી નોંધપાત્ર સિદ્ધિ પર ગર્વ છે.