- માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અમ્પાયર્સ કૉલ અંગે આપ્યું નિવેદન
- આઇસીસીને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવા કર્યો આગ્રહ
- ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર શેન વોર્ને સૌથી પહેલા આ નિયમની ટીકા કરી હતી
મુંબઇ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્વ મેલબર્નમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ દરમિયાન ભારતને આ નવા નિયમના કારણે નુકસાન ભોગવવું પડ્યું છે.
અમ્પાયર્સ કૉલ ત્યારે મુખ્ય રીતે સામે આવે છે જ્યારે એલબીડબલ્યૂ માટેની રિવ્યૂની માંગ કરવામાં આવી હોય. આ સ્થિતિમાં જો અમ્પાયરે નોટ આઉટ આપ્યું છે તો રિવ્યૂમાં જાણવા મળે છે કે બોલ સ્ટમ્પ સાથે સંપર્કમાં આવી રહી છે, તો પણ ટીવી અમ્પાયરની પાસે નિર્ણય બદલવાનો અધિકાર નથી હોતો. બીજી તરફ બોલિંગ ટીમ માટે સારી વાત એ છે તેઓ પોતાનો રિવ્યૂ ગુમાવતા નથી.
આ અંગે સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું છે કે, ખેલાડી એટલા માટે રિવ્યૂ લે છે કારણ કે તેઓ મેદાનના અમ્પાયરના નિર્ણયથી નાખુશ હોય છે. આઇસીસીને ડીઆરએસ સિસ્ટમ ખાસ કરીને અમ્પાયર્સ કોલની સંપૂર્ણ સમીક્ષા કરવાની આવશ્યકતા છે.
ઓસ્ટ્રેલિય બેટ્સમેન જો બર્સ્ર અને માર્નસ લાબુશેનની વિરુદ્વ એલબીડબલ્યૂની અપીલ બાદ રિપ્લેમાં લાગ્યું કે બોલ બેઇલ્સને સ્પર્શ કરતી હતી, પરંતુ અમ્પાયર્સ કૉલના કારણે બંને બેટ્સમેન નોટ આઉટ જ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર શેન વોર્ને સૌથી પહેલા આ નિયમની ટીકા કરી હતી.
શેન વોર્નના મતે તેઓ અમ્પાયર્સ કૉલને ક્યારેય નથી સમજી શક્યા. તેઓએ ગત વર્ષે પીટીઆઇ-ભાષા સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે, જો બોલ સ્ટમ્પને હિટ કરી રહી હોય તો તે આઉટ પણ હોઇ શકે છે અને નોટ આઉટ પણ હોઇ શકે છે.
(સંકેત)