નિવૃત્તિ બાદ પણ સચિનનો દબદબો યથાવત્: 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન તરીકે થઇ પસંદગી
- નિવૃત્તિ બાદ પણ સચિન ચાહકોના દિલ પર કરે છે રાજ
- 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન તરીકે સચિનની પસંદગી
- સચિનના નામે ટેસ્ટમાં 51 સદી અને સૌથી વધારે રનનો પણ રેકોર્ડ છે
નવી દિલ્હી: ગ્રેટનેસ અને સચિન તેંડુલકરને એક બીજાના પર્યાય કહીએ તો એમાં કશું જ નવું નથી. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઇઓ અને વિશ્વ ફલક પર ચમકાવનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નિવૃત્તિ બાદ પણ પોતાના ચાહકોમાં આગવું સ્થાન ધરાવે છે.
ક્રિકેટમાં નિવૃત્તી લીધાને 8 વર્ષ થઇ ગયા હોવા છતાં પણ સચિન હજુ પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. એક સ્પોર્ટ ચેનલ દ્વારા તેંડુલકરની 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. સચિનને શ્રીલંકાના મહાન બેટ્સમેન સંગાકારાને પણ પાછળ છોડી દીધો છે. બંનેને એક સરકાર પોઇન્ટ્સ મળ્યા હતા પરંતુ જ્યૂરીના સભ્યોએ સચિનના પક્ષમાં વધારે મત આપ્યા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ વચ્ચે ચેનલ દ્વારા તેની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. 21મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન ઉપરાંત, બોલર, ઓલરાઉન્ડર અને કેપ્ટનની ચાર કેટેગરીમાં પસંદગી કરવાની હતી.
બેટસમેનની કેટેગરીમાં સચિન સાથે સ્ટીવન સ્મિથ, સંગાકારા અને જેક કાલિસ સામેલ હતા. પસંદગી માટેની જ્યૂરીમાં સુનિલ ગાવાસકર, ઈયાન બિશપ, હરભજન, શેન વોટસન, સ્ટાયરસ, ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓની સાથે દુનિયાના પત્રકારો, વિશ્લેષક અને એન્કરનો સમાવેશ થતો હતો. તેમણે સચિન પર પસંદગી ઉતારી હતી.
નોંધનીય છે કે સચિનના નામે ટેસ્ટમાં 51 સદી અને સૌથી વધારે રનનો પણ રેકોર્ડ છે.