નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ જગતમાં અનેક પ્રકારના વિવાદો સતત સામે આવી રહ્યા છે. ટી 20 વર્લ્ડ કપ અગાઉ વિરાટ કોહલીએ ટી 20 સુકાનીપદ છોડવાની ઘોષણા કરી અને ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટૂર પહેલા વનડે ટીમના કેપ્ટન પદેથી તેની હકાલપટ્ટી કરવામાં આવી. જો કે આ બધા વિવાદો વચ્ચે, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટૂર પહેલા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે સુકાનીપદને લઇને સૌરવ ગાંગુલીએ કરેલા દાવાને ખોટો ઠેરવ્યો હતો. આ બાદ હવે બોર્ડ અને કોહલી આમને-સામને આવી ચૂક્યા છે.
કોહલીએ આ બધા વિવાદો વચ્ચે સુકાનીપદ અંગે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે ટીમની જાહેરાત કરતા અગાઉના દોઢ કલાક પહેલાં તેને સુકાનીપદેથી હટાવવાની જાણકારી આપી હતી. ટી 20 વર્લ્ડ કપ અગાઉ સુકાનીપદ છોડવાનો નિર્ણય અંગે બોર્ડે હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને તેઓએ આ નિર્ણયને આવકાર્યો હતો.
સૌરવ ગાંગુલીએ થોડા દિવસો પહેલાં રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા મામલે આપેલી પ્રતિક્રિયામાં સ્પષ્ટતા આપતાં એમ કહ્યું હતું કે, અમે કોહલીને ટી20નું સુકાનીપદ ન છોડવા માટે વિનંતી કરી હતી, જો કે તે માન્યો ન હતો અને વ્હાઈટ બોલ ફોર્મેટ માટે બોર્ડ અને સિલેક્ટર્સ બે કેપ્ટન ઈચ્છતા ન હતા અને તેને કારણે અમે રોહિતને કેપ્ટન બનાવવાનું નક્કી કર્યું હતું.
નિવેદન બાદ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી સામે સુનીલ ગાવસ્કર સહિત અનેક દિગ્ગજોએ સ્પષ્ટતા માટે કહ્યું હતું. જો કે, હવે આ મામલે સૌરવ ગાંગુલીએ આખરે ચૂપ્પી તોડી છે. પણ આ મામલે તેણે ટિપ્પણી કરતાં એકપણ શબ્દ વિરાટ વિરુદ્ધ બોલ્યો ન હતો.
બોર્ડ અને કોહલી વચ્ચે ચાલતા અણબનાવને લઇને સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, અમે આ મામલે કોઇ પણ પ્રકારનું નિવેદન આપવા નથી માંગતા અને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં નહીં આવે. આ મામલાનો ઉકેલ અમે અમારી રીતે લાવીશું. આ મામલાને હવે BCCI પર છોડી દો.