Site icon Revoi.in

ગૂગલી કિંગ હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ‘અલવિદા’, ભાવૂક શબ્દોમાં સન્યાસની કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર અને ગૂગલી કિંગ એવા હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

વર્ષ 1998માં હરભજન સિંહે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે માત્ર 17 વર્ષની ઉંમરે હરભજન સિંહ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

વર્ષ 1998માં ચેન્નાઇમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે તે જ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વર્ષ 2006માં સાઉથ આફ્રિકા સામે ટી 20માં પ્રવેશ કર્યો હતો.

હરભજન સિંહે સન્યાસની જાહેરાત કરતા ભાવુક શબ્દોમાં લખ્યું કે, થોડા સમય પહેલા આ અંગે જાહેરાત કરવાની ઇચ્છા હતી પરંતુ સંજોગવશાત એવું થઇ શક્યું નહીં. યૂટ્યુબ ચેનલ પર વીડિયો શેર કરતા લખ્યું કે, હું આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છું. મેં મારી નિવૃત્તિ ઘણા સમય પહેલા લઇ લીધી હતી પરંતુ હવે આપ દરેકની સાથે શેર કરી રહ્યો છું. કોઇપણ રીતે, હું લાંબા સમયથી સક્રિયપણે ક્રિકેટ રમી રહ્યો ન હતો. હું લાંબા સમય પહેલા આ નિર્ણય લેવા માંગતો હતો પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથેની મારી પ્રતિબદ્વતાને કારણે હું આ વર્ષે તેની સાથે રહેવા ઇચ્છુક હતો. બીજા બધાની જેમ હું પણ ઇન્ડિયા જર્સીના ટીમના અલવિદા કહેવા માંગતો હતો પરંતુ નસીબના મનમાં કંઇક બીજુ હતું. મેં હંમેશા ક્રિકેટના દરેક ફોર્મેટમાં ટોચ પર રહેવા મહેનત કરી છે.

ભાવુક કરતો વીડિયો

ગૂગલી કિંગ હરભજન સિંહની કારકિર્દીની ઝલક જોઇએ તો, વર્ષ 2015 સુધી, તેણે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી જ્યારે બે સદીની મદદથી 2235 રન બનાવ્યા. તે જ સમયે, 236 મેચોમાં, તેણે 269 વિકેટ લીધી અને 1237 રન બનાવ્યા. ટી 20માં તેના નામે 28 મેચોમાં 25 વિકેટ છે. હરભજન સિંહની સિદ્વી એ છે કે, તે અનિલ કુંબલે અને આર અશ્વિન પછી ત્રીજા સૌથી વધુ ટેસ્ટ વિકેલ લેનાર બોલર છે.