- ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયામાં થશે 3 ફેરબદલ
- શાર્દુલ ઠાકુર, ઇશાન કિશન, આર અશ્વિનને મળી શકે છે તક
- ભારત માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જ જરૂરી
નવી દિલ્હી: ગત ટી-20 મેચમાં પાકિસ્તાન સામે હાર બાદ ભારતીય ટીમના અનેક ખેલાડીઓના પરફોર્મન્સ પર સવાલ ઉઠ્યા હતા અને ભારતીય ટીમના સીલેક્શન પર મોટો પ્રશ્ન ઉભો થઇ ગયો છે. ભારતની આગામી મેચ 31 ઑક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે છે.
ટી-20 વર્લ્ડકપની શરૂઆત ભારત માટે નિરાશાજનક રહી હતી અને પ્રથમ મેચમાં જ ભારતે પાકિસ્તાન સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામે ભારતની 10 વિકેટે હાર થઇ હતી. આ હાર બાદ ભારતીય ટીમના સીલેક્શન પર પણ સવાલ ઉપસ્થિત થયા હતા. ભારત હવે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ત્યારે હવે જો આ મેચમાં પણ ભારત હારી જાય તો ટૂર્નામેન્ટને બાય-બાય કહેવાની પણ નોબત આવી શકે છે.
આગામી મેચમાં ભારતીય ટીમ હવે જીતવા માટે કોઇ કસર છોડવા માંગતી નથી અને માટે જ હવે ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર થઇ શકે છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તીને રીપ્લેસ કરવામાં આવી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્વની આગામી મેચમાં ટીમ ઇન્ડિયામાં 3 મોટા ફેરફાર થઇ શકે છે.
હાર્દિંક પંડ્યાનું ગત મેચમાં પ્રદર્શન નબળુ સાબિત થયું હતું. છેલ્લા થોડાક સમયથી તે બોલિંગ કરવામાં પણ અસમર્થ રહ્યો છે. એવામાં ટીમને સંતુલિત કરવા માટે હાર્દિક પંડ્યાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી શકે છે. શાર્દુલ ઠાકુર બોલિંગ અને બેટિંગથી દમદાર પ્રદર્શન કરી શકે છે.
બીજી તરફ સૂર્યકુમાર યાદવ પણ ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ ખેલાડીને ખરાબ ફોર્મને કારણે ભારતને પાકિસ્તાન વિરુદ્વ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવને મેચમાં નંબર 4 પર મુખ્ય બેટિંગ પોઝિશન પર તક અપાઇ પરંતુ આ તકને સફળ સાબિત કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો. તેને બદલે આગામી ચમાં ઇશાન કિશનને સ્થાન મળી શકે છે.
તે ઉપરાંત પાકિસ્તાન વિરુદ્વની મેચમાં વરુણ ચક્રવતીની બોલિંગ પણ કંઇ ખાસ નહોતી રહી. વરુણ ચક્રવર્તીએ મેચ દરમિયાન 4 ઑવરની બોલિંગમાં 33 રન આપ્યા હતા અને તેમણે 1 પણ વિકેટ લીધી ન હતી. તેથી વરુણ ચક્રવતીના સ્થાને અશ્વિનને આ વખતે તક મળી શકે છે.