Site icon Revoi.in

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને કરાઇ ક્વોરેન્ટાઇન

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુલ પેક છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને એ પછી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝ રમશે ત્યારે એ માટે 2 જૂને ઇંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થશે. આ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓને ક્વોરેન્ટાઇન કરાયા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારતીય ટીમના ખેલાડીઓને 19મેથી ક્વોરેન્ટાઇન કરાયા છે. જ્યારે કેપ્ટન કોહલીને હાલમાં અલગ રાખવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે, વિરાટ ગઇકાલે જ ક્વોરેન્ટાઇન માટેના બાયોબબલમાં પ્રવેશ્યો છે અને નિયમ અનુસાર તેણે સાત દિવસ બીજા ખેલાડીઓથી અલગ રહેવું પડશે. તે પછી તે ટીમ સાથે ક્વોરેન્ટાઇનમાં જોડાઇ શકશે.

14 દિવસ રહેશે ક્વોરેન્ટાઇનમાં

ભારતીય ટીમ 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેશે અને ત્યારબાદ 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ માટે રવાના થશે. ક્રિકેટરો ક્વોરેન્ટાઇનમાં પણ પ્રેક્ટિસ અને વર્કઆઉટ કરી શકે તે માટે તમામ સુવિધાઓ આપવામાં આવી છે. અહેવાલ અનુસાર હાલમાં બોર્ડ આ પ્રવાસ માટે કોઇપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. ખેલાડીઓ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે અને ટૂંક સમયમાં તેઓને બીજો ડોઝ પણ અપાશે.

નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા બીજા 10 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેશે. એ પછી 18 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનો પ્રારંભ થશે.