- ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણીની તારીખો થઇ જાહેરા
- આગામી 13 થી 25 જુલાઇ દરમિયાન ભારત-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે
- ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચ અને ત્રણ ટી-20 મેચ રમાશે
નવી દિલ્હી: આગામી જુલાઇ મહિનામાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણીની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચ અને ત્રણ ટી-20 મેચની શ્રેણી 13મી જુલાઇથી શરૂ થશે. આ શ્રેણીની અંતિમ મેચ 25 જુલાઇએ રમાશે. સોની સ્પોર્ટના હવાલાથી આ તારીખો જાહેર થઇ છે, જો કે BCCI તરફથી આ મુકાબલાની સત્તાવાર જાહેરાત બાકી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર સોની સ્પોર્ટ્સ પર આ સિરીઝનું પ્રસારણ કરાશે. સોની સ્પોર્ટ્સ તરફથી આ સિરીઝનું ટ્વિટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં શિખર ધવનની તસવીર છે. જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ સિરીઝમાં શિખર ટીમ ઇન્ડિયાનું સૂકાનીપદ સંભાળશે.
આ શ્રેણી દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના કોચ રહેશે.
ટાઇમટેબલ મુજબ ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે 13 જુલાઇ, બીજી વનડે 16 જુલાઇ અને 18મીએ ત્રીજી વનડે રમાશે જ્યારે ટી20 સિરીઝનું શરુઆત 21 જુલાઇથી થશે. જેની બીજી મેચ 23 અને ત્રીજી મેચ 25 જુલાઇએ રમાશે. આ પહેલા ભારતે 2018માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો, જે ત્રિકોણીય જંગ હતો અને ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ભારતે ટી20 નિદહાસ ટ્રોફી જીતી હતી.
મહત્વનું છે કે, ટીમ ઇન્ડિયાનો શ્રીલંકા સાથેનો મુકાબલો દિગ્ગજ ખેલાડી વગર જ રમાશે. કારણ કે, ટીમ ઇન્ડિયાનની પ્રથમ દરજ્જાની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે છે. જો કે શ્રીલંકા જનારી ટીમ ઇન્ડિયામાં એ ખેલાડીઓને તક મળી શકે છે જેઓ IPL અને નેશનલ લેવલ પર બહેતર ક્રિકેટ રમી રહ્યાં છે.