નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઑફ સ્પિનર આર. અશ્વિન તેમજ મહિલા ક્રિકેટર મિતાલી રાજની ખેલ રત્ન એવોર્ડ માટે અને શિખર ધવન અને કે એલ રાહુલ, જસપ્રીત બુમરાહની અર્જુન એવોર્ડ માટે સરકારને ભલામણ કરી છે.
બોર્ડના એક અધિકારી અનુસાર, ક્યા ક્રિકેટરના નામ એવોર્ડ માટે મોકલવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે તો પોતાના નામ મોકલી દીધા છે પણ હવે જોવા રહ્યું કે, સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા નિમાયેલી પેનલ દ્વારા આ ક્રિકેટરોમાંથી કેટલાની પસંદગી થાય છે. કારણ કે આ તમામ ક્રિકેટર એવોર્ડના પ્રબળ દાવેદાર કહી શકાય.
મંત્રાલયે એવોર્ડ માટે નોમિનેશન મોકલવાની સમય મર્યાદા એક સપ્તાહ વધારીને પાંચ જુલાઈ કરી દીધી છે. અત્યાર સુધી ટેનિસ, બોક્સિંગ અને કુશ્તી સહિતના સંખ્યાબંધ ફેડરેશન પોતાના તરફથી ખેલાડીઓના નામ સરકારને મોકલી ચુક્યા છે.
ગયા વર્ષે પાંચ ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠાજનક ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ઈતિહાસમાં પહેલી વખત પાંચ એથ્લેટને આ સન્માન આપવામાં આવ્યુ હતુ.