- ટોક્યો ઓલિમ્પિક્સમાં વધુ એક મેડલ જીતવાની ભારતની આશાને ફટકો
- કમલપ્રીત કૌર ડિસ્ક્સ થ્રોની ફાઇનલમાં મેડલ જીતવામાં નિષ્ફળ
- ફાઇનલમાં તે છઠ્ઠા ક્રમાંકે રહી
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની મેડલ જીતવાની આશાને ફટકો પડ્યો છે. ઐતિહાસિક પ્રદર્શન કરનારી ડિસ્ક્સ થ્રોઅર કમલપ્રીત કૌર ટોક્યોમાં મેડલ જીતવામાં નિષ્ફળ નિવડ્યા છે. સોમવારે રમાયેલી ડિસ્ક્સ થ્રોની ફાઇનલમાં કમલપ્રીત કૌર છઠ્ઠા ક્રમાંકે રહી હતી.
આપને જણાવી દઇએ કે કમલપ્રીત કૌર પ્રથમ વખત ઓલિમ્પિક્સમાં ભાગ લઇ રહી હતી અને તેણે પ્રથમ ઓલિમ્પિક્સમાં જ દમદાર રમતનું પ્રદર્શન કરીને પોતાની પ્રતિભાનો પરચો વિશ્વ સમક્ષ આપ્યો હતો. કમલપ્રીત હજુ સુધી ભારત માટે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં રમી નથી.
25 વર્ષીય કમલપ્રીત આઠ રાઉન્ડની સ્પર્ધામાં એક પણ વખત મેડલની રેસમાં જોવા મળી ન હતી. તેણે ત્રીજા રાઉન્ડમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 63.70 મીટરનો થ્રો કર્યો હતો અને છઠ્ઠા સ્થાને રહી હતી. આમ તેના માટે ફાઈનલ નિરાશાજનક રહી હતી.
મહિલાઓની ડિસ્ક્સ થ્રો સ્પર્ધાનો ગોલ્ડ મેડલ અમેરિકાની વાલારિ ઓલમેનના નામે થયો છે. તેણે 68.98 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે જર્મનીની ક્રિસ્ટિન પુડેન્ઝે 66.86 મીટર સાથે સિલ્વર અને ક્યુબાની યામી પેરેઝે 65.72 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.