Site icon Revoi.in

સફળતા! ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને આપી મ્હાત 41 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકનો 10મો દિવસ ભારત માટે જોરદાર રહ્યો છે. એક બાજુ પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો બીજી તરફ ભારતીય પુરુષ હોકી ટીમ ગ્રેટ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ભારતની ટક્કર બેલ્જિયમ સામે થશે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન દર્શાવતા ગ્રેટ બ્રિટનને 3-1થી મ્હાત આપી છે. મનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમે ઇતિહાસ રચ્યો છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 1980 બાદ આ પ્રથમ તક છે, જ્યારે ભારત હોકીમાં સેમિફાઇનલમાં પહોંચ્યું છે. ભારત માટે વિનિંગગોલ 7મી મિનિટમાં દિલપ્રીત સિંહે, 16મી મિનિટમાં ગુરજીત સિંહ અને 57મી મિનિટમાં હાર્દિક સિંહે કર્યો હતો. જ્યારે બ્રિટન માટે 45મી મિનિટમાં સૈમુઅલે એક ગોલ કર્યો હતો.

ઓલિમ્પિકમાં ભારતને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, જ્યારે વાસુદેન ભાસ્કરનની આગેવાનીમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદથી ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ખરાબ થતું રહ્યું અને 1984માં લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં પાંચમાં સ્થાને રહ્યા બાદ તેનાથી સારૂ પ્રદર્શન કરી શકી નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેઇજિંગમાં વર્ષ 2008 ઓલિમ્પિકમાં ટીમ પ્રથમવાર ક્વોલિફાઇ કરી શકી નહીં અને વર્ષ 216 રિયો ઓલિમ્પિકમાં છેલ્લા સ્થાને રહી હતી. જો કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય હોકી ટીમના પ્રદર્શનમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે અને તેનું જ ફળ હવે ટોક્યો ઓલિમ્પિકમાં જોવા મળી રહ્યું છે.