Site icon Revoi.in

ટોક્યો પેરાલિમ્પિક્સ: ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતની ભાવિના પટેલ, રચ્યો ઇતિહાસ

Social Share

નવી દિલ્હી: ભારતની ભાવિના પટેલે ભારતનું નામ રોશન કર્યું છે. ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની ક્લાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. તેણે રાઉન્ડ ઑફ 16ના મેચ નંબર 20માં બ્રાઝિલની ઓલિવિરાને મ્હાત આપી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમમાં જ જીતી લીધી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6થી જીતી હતી. આ જીત સાથે ભારત માટે મેડલ જીતવાની એક ડગલુ નજીક આવી ગઇ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિનાનું ફોર્મ શાનદાર દેખાઇ રહ્યું છે.

અગાઉ ભાવિનાએ દમદાર પ્રદર્શન કરીને ગ્રેટ બ્રિટનની મેગાન શેકલેટોનને 3-1થી હરાવી હતી. ભાવિનાએ તેની મેચ ગ્રેટ બ્રિટનના ખેલાડી સામે 11-7, 9-11, 17-15, 13-11થી જીતી લીધી હતી. જે જીત સાથે જ તેણે આગલા રાઉન્ડ એટલે કે રાઉન્ડ ઑફ 16 માટે ટિકિટ કપાવી લીધી હતી. આ મેચમાં ભાવિનાની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલર દ્વારા આકરી ટક્કર આપી હતી.

આ પ્રથમ વખત છે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરાને હરાવતી વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે.

પોતાની જીત પર ખુશી વ્યક્ત કરતા ભાવિનાએ કહ્યું કે, તેણે તેના બ્રાઝીલીયન પ્રતિસ્પર્ધીને મોટે ભાગે બોડી પર રમાડ્યા હતા. જે તેમની નબળાઈ હતી અને તેનું જ પરિણામ વિજય સ્વરૂપે મળ્યું છે.