- કોવિડના ખતરાને જોતા BCCIએ લીધો મોટો નિર્ણય
- BCCIએ વિજય મર્ચન્ટ-16 ટૂર્નામેન્ટ સ્થગિત કરી
- BCCI સચિવ જય શાહે ઇમેઇલથી અસોસિશનને આપી જાણકારી
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો આતંક ફરી વધ્યો છે. ઓમિક્રોનની દસ્તક બાદ કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે તેની અસર રમતગમત ક્ષેત્રે પણ થઇ રહી છે.
કોવિડના વધતા કેસ અને ખોફ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ હવે વિજય મર્ચન્ટ-16 ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટ 9 જાન્યુઆરીથી દેહરાદૂનમાં રમાવાની હતી. તમામ ટીમોને ટુર્નામેન્ટની શરૂઆત પહેલા દહેરાદૂન પહોંચી જવા માટે કહેવામાં આવ્યું હતું.
એક મીડિયા અહેવાલ અનુસાર, ટૂર્નામેન્ટ સ્થગિત કરવાના નિર્ણયને લઇને BCCI સચિવ જય શાહે બોર્ડના તમામ એસોસિએશનને એક ઇમેઇલ મોકલ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ક્રિકેટનો પ્રારંભ સારો રહ્યો છે, અત્યાર સુધી 748 મેચ પૂર્ણ થઇ છે. જો કે, કોવિડના નવા કેસોમાં અચાનક ઉછાળો આવતા જુનિયર ટૂર્નામેન્ટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે.
સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. જો સુરક્ષાનું વિચારવામાં નહીં આવે તો આગામી સમયમાં કેસ વધી શકે છે. તેથી, નિષ્ણાતો અને તબીબી ટીમી સાથે સંપૂર્ણ ચર્ચા કર્યા પછી અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી 2022 સ્થગિત કરવામાં આવી છે. આનું મુખ્ય કારણ એ છે કે સ્પર્ધક ખેલાડીઓને રસી આપવામાં આવી નથી અને તેઓને સંક્રમિત થવાનું જોખમ વધી શકે છે.