- ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીની સિદ્વિ
- આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી ઝડપી 22000 રનનો બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
- આ રેકોર્ડ સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી
સિડની: ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલી નવા નવા રેકોર્ડ બનાવીને સફળતાના શીખરો સર કરી રહ્યા છે. હવે કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ સૌથી ઝડપી 22000 રન બનાવીને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.
આ રેકોર્ડ સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી છે, જ્યારે સચિન 493 ઇનિંગમાં આ આંકડા સુધી પહોંચ્યા હતા. મેચની વાત કરીએ તો વિરાટ કોહલીએ 418 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બીજી તરફ સચિને તેમની 418 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21 હજારનો આંકડો પાર કરી લીધો હતો.
22000 international runs for King Kohli 👏👏#TeamIndia pic.twitter.com/ulWqBZ3tuM
— BCCI (@BCCI) November 29, 2020
તે ઉપરાંત કોહલીએ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી મેચમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. કોહલીએ વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં મુહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા છે. કેપ્ટન તરીકેની 91મી મેચમાં કોહલીએ અઝહર (5243)ને પાછળ છોડી દીધા. કોહલીએ અગાઉ 90 મેચની 86 ઇનિંગ્સમાં 5168 રન બનાવ્યા હતા. તેઓ અઝહરથી 75 રન પાછળ હતા.
નોંધનીય છે કે સૂકાની તરીકે કોહલીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. વિરાટે વનડેમાં કેપ્ટન તરીકે રિપોર્ટ લખવાના સમય સુધીમાં 21 સદી ફટકારી છે. કોહલીએ આ મેચમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. તેમણે 87 બોલની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
(સંકેત)