Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડ સામે પરાજય બાદ વિરાટ કોહલી ગમગીન, કહ્યું – ટીમ બેટ-બોલથી સંપૂર્ણ હિંમત ના દાખવી શકી

Social Share

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમના પરફોર્મન્સને લઇને જે આશા લોકોમાં જોવા મળી રહી હતી તે દરેક આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ટી-20 વર્લ્ડકપની બંને મેચમાં ભારતે પહેલા પાકિસ્તાન અને બાદમાં ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને મેચમાં પરાસ્ત થયા બાદ હવે ટીમ ઇન્ડિયા માટે સેમિ ફાઇનલમાં પ્રવેશ ખૂબ જ કઠીન લાગી રહ્યો છે.

ગઇકાલે યોજાયેલી મેચમાં ભારતની ટીમે 20 ઑવરમાં કંગાળ પ્રદર્શન કરતા માત્ર 110 રન કર્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 14.3 ઑવરમાં જ 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધું હતું. ન્યૂઝીલેન્ડ સામે પણ પરાજય બાદ કેપ્ટન કોહલી ખૂબ જ નિરાશામાં છે. વિરાટ કોહલીએ નિરાશાજનક પ્રદર્શન અંગે કહ્યું કે, તેના ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી હિંમત બતાવી શક્યા નથી.

સતત બીજી હાર અંગે કોહલીએ કહ્યું કે, આ ખૂબ જ અજીબ છે. મને નથી લાગતું કે અમે અમારી રમતમાં બેટ કે બોલથી હિંમત દાખવી શક્યા છીએ. અમે વધુ રન કરવામાં તો નિષ્ફળ રહ્યા જ છીએ પરંતુ સાથોસાથ રન બચાવી શકવામાં પણ અસમર્થ સાબિત થયા છે.

વિરાટ કોહલીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત તરફથી રમતી વખતે અપેક્ષાઓ પર ખરા ઉતરવું જરૂરી છે. જ્યારે તમે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમો છો, ત્યારે માત્ર ચાહકો જ નહીં પરંતુ ખેલાડીઓને પણ ઘણી બધી અપેક્ષાઓ હોય છે. અપેક્ષાઓ રહેશે અને તેનો સામનો કરી રહ્યાં છીએ. ભારત માટે જે રમે છે તે પ્રત્યેક ખેલાડીઓએ તે કરવું પડશે. હું તે કરવામાં અસમર્થ રહ્યો છું.

કોહલીએ કહ્યું કે, તમે ભારતીય ટીમ હોવાથી તમારી પાસે અપેક્ષાઓ હોય છે, તો તમે અલગ નથી રમી શકતા. અમે ઠીક છીએ અને હજુ ખૂબ જ ક્રિકેટ રમવાનુ બાકી છે.