નવી દિલ્હી: ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગની સૂચી બહાર પાડી છે. આ ટેસ્ટ રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહે છલાંગ લગાવી છે. આ બંને પ્લેયર્સને રેન્કિંગમાં ફાયદો થયો છે. જો કે, તાજેતરમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કોહલીને જે રેન્કિંગમાં ફાયદો થયો છે તેનું કારણ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં રમેલી શાનદાર ઇનિંગ છે. કોહલીએ આ મેચની પ્રથમ ઇનિંગમાં મુશ્કેલ સ્થિતિમાં 79 રન બનાવ્યા હતા. તેનાથી કોહલીને ફાયદો થયો છે અને તે બે સ્થળ આગળ વધીને સાતમાં સ્થાને પહોંચી ગયો છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં વિરાટના 767 પોઇન્ટ છે. આ યાદીમાં ટોચના 10 ખેલાડીમાં ભારતના બે પ્લેયર્સ છે. રોહિત શર્મા પાંચમાં સ્થાન પર છે.
બોલરોની યાદીમાં ભારતના ઘાતક બોલર જસપ્રિત બુમરાહને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. બુમરાહે ત્રણ ટેસ્ટ મેચમાં 12 વિકેટ લીધી હતી. બુમરાહ અગાઉ ટોપ-10માં પણ નહોતો પરંતુ હવે તે 10માં સ્થાને આવી ગયો છે. તેના 763 રેટિંગ પોઇન્ટ છે. બોલરોની યાદીમાં પણ ટોપ-10માં ભારતના બે બોલર છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ નંબર 1 પર છે.
ચોથા નંબર પર કાયલ જેમિસન છે. શાહીન શાહ આફ્રિદી પાંચમાં નંબર પર છે. તે પણ એક જગ્યાએ ખસી ગયો છે. ન્યૂઝીલેન્ડનો ટીમ સાઉથી એક સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા ક્રમાંકે છે. તેણે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને છઠ્ઠા સ્થાનેથી હટાવી દીધા છે. જ્યારે જોશ હેઝલવૂડ અને નીલ વેગનર આઠ અને નવમાં નંબર પર યથાવત્ છે.