- શું વિરાટ કોહલી વન-ડે ટીમના કેપ્ટન તરીકે યથાવત્ રહેશે?
- આ સપ્તાહમાં આ અંગે લેવાઇ શકે છે નિર્ણય
- તેની જગ્યાએ રોહિત શર્માને ચાન્સ અપાય તેવી સંભાવના
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના વનડે ફોર્મેટના સૂકાનીપદે વિરાટ કોહલી રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય આ સપ્તાહે જ લેવાઇ જશે. આગામી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટૂર્નામેન્ટ થવાની છે ત્યારે ચેતન શર્માના નેતૃત્વમાં નેશનલ સિલેક્શન ટીમ ઇન્ડિયાના સ્ક્વોડની પસંદગી કરશે. છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીનું પ્રદર્શન નબળુ જોવા મળી રહ્યું છે ત્યારે હવે તેની કેપ્ટનશિપ પર ખતરો છે. આ વચ્ચે રોહિત શર્માને ભાવિ કેપ્ટનપદે ચાન્સ અપાય તેવી પણ એક સંભાવના છે.
જો કે, આગામી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પણ સંકટના વાદળો છવાયા છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત બાદ ટૂર્નામેન્ટના આયોજનને લઇને પણ સવાલો ઉભા થયા છે. જો કે આ ટૂર્નામેન્ટ શેડ્યુલ અનુસાર જ ચાલુ રહેશે તેવું BCCIના ટોચના અધિકારીઓનું કહેવું છે.
ભારતીય ટીમ માટે વર્ષ 2022નું વર્ષ ટી20 ઈન્ટરનેશનલ મેચો રમવામાં જ પસાર થવાનું છે, કેમ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ પણ રમાનાર છે. અને તેને કારણે ભારતીય ટીમ આગામી વર્ષ માત્ર 9 જ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. અને આગામી સાત મહિનામાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં 3-3 વન-ડે મેચો રમશે, જ્યારે બાકીની 3 મેચો ભારતમાં રમાશે. અને આ વખતે જમ્બો બાયો-બબલ હોવાને કારણે તમામ ફોર્મેટ માટે એક જમ્બો સ્ક્વોડની પસંદગી કરવામાં આવશે. તમામ ફોર્મેટને ધ્યાને લેતાં ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં 20થી 23 ખેલાડીઓ હોઈ શકે છે.
ભારતીય ટીમના આગામી વનડે ટીમના કેપ્ટનને લઇને BCCIમાં જ મતભેદ જોવા મળી રહ્યો છે. એક ગ્રૂપનો અભિપ્રાય એવો છે કે ઓછી વનડે હોવાને કારણે વિરાટ કોહલીનું સુકાનીપદ યથાવત રાખવું જોઇએ તો બીજી તરફ અન્ય ગ્રૂપનો મત છે કે આ સમય ઓછી વનડે માટે નહીં પણ ભાવિના માર્ગનું નિર્માણ કરવાનો છે અને ભાવિ માટે ટીમ બનાવવાનો છે. તે ઉપરાંત વર્ષ 2023નો વર્લ્ડ કપ જે ભારતમાં રમાશે તે માટે રોહિતને એક મજબૂત ટીમનું ગઠન કરવા માટે વધુ સમય ફાળવાય તે આવશ્યક છે.