ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય-ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, ટ્વીટ કરી પ્રશંસકોનો આભાર માન્યો
- ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે નિવૃત્તિની જાહેરાત કરી
- આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી
- ટ્વીટર પર ટ્વીટ કરીને પ્રશંસકો માટે ભાવુક સંદેશો લખીને નિવૃત્તિની કરી જાહેરાત
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે. યુસુફે ભારત માટે 57 વનડે મેચમાં 810 રન બનાવ્યા હતા. જ્યારે 22 ટી 20 મેચમાં તેણે 236 રન કર્યા હતા. યુસુફ પઠાણે વનડેમાં 33 તેમજ ટી20માં 13 વિકેટ ઝડપી હતી. વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડકપ જીતનારી ટીમમાં સામેલ યુસુફ પઠાણે શુક્રવારે ટ્વીટ કરીને સન્યાસની જાહેરાત કરી છે.
I thank my family, friends, fans, teams, coaches and the whole country wholeheartedly for all the support and love. #retirement pic.twitter.com/usOzxer9CE
— Yusuf Pathan (@iamyusufpathan) February 26, 2021
યુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં ભાવુક સંદેશ લખ્યો અને પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો. યુસુફ પઠાણે લખ્યું કે, મને યાદ છે જે દિવસે મેં પ્રથમ વખત ભારતની જર્સી પહેરી હતી. માત્ર મેં જ એ જર્સી નહોતી પહેરી. તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્ર અને સમગ્ર દેશે પહેરી હતી. મારું બાળપણ અને જીવન ક્રિકેટની આસપાસ જ વિત્યું અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલૂ અને આઇપીએલ ક્રિકેટ રમ્યો. પરંતુ આજે કંઇક અલગ છે. આજે કોઇ વર્લ્ડકપ અથવા આઇપીએલ ફાઇનલ નથી, પરંતુ આ એટલો જ મહત્વનો દિવસ છે. આજે ક્રિકેટર તરીકે મારા કરિયર પર પૂર્ણવિરામ લાગી રહ્યો છે. હું સત્તાવાર રીતે સન્યાસની જાહેરાત કરું છું.
નોંધનીય છે કે ગુજરાતના વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ એક વિસ્ફોટક બેટ્સમેનની છાપ ધરાવે છે. તેણે વર્ષ 2010માં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્વ 37 બોલમાં સદી ફટકારી હતી. તે IPLના ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે.
(સંકેત)