Site icon Revoi.in

T 20 વર્લ્ડ કપ: ગ્રુપ સ્ટેજમાં જ ભારત-પાકિસ્તાન આમને સામને ટકરાશે

Social Share

નવી દિલ્હી: આ વર્ષે રમાનારા ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટીમોના ગ્રૂપ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમને સુપર-12માં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે ગ્રૂપ-2માં રાખવામાં આવી છે. આ ગ્રૂપમાં હજુ 2 ટીમો સામેલ થશે અને તે કઇ છે તે હજુ નક્કી નથી. આપને જણાવી દઇએ કે ટી 20 વર્લ્ડ કપ 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રમાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રુપ-1માં વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા છે. ટી 20 વર્લ્ડ કપના રાઉન્ડ-1ના ગ્રૂપ-એમાં શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામીબિયા છે. જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગીની અને ઓમાન છે. ગ્રૂપ-એની વિજેતા અને ગ્રુપ-બીની રનરઅપ ટીમ સુપર-12ના ગ્રુપ-1માં જશે જ્યારે ગ્રુપ-બીની વિજેતા ટીમ તથા ગ્રુપ-એની રનર અપ ટીમ ગ્રુપ-2માં જશે.

ICCના કાર્યકારી CEO જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, ICC મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021ના ગ્રુપની જાહેરાત કરતા અમને ઘણો આનંદ થઇ રહ્યો છે. ગ્રુપ જોતા કેટલીક શ્રેષ્ઠ મેચ જોવાનો લહાવો મળશે. આ ટુર્નામેન્ટ ક્રિકેટ ચાહકોમાં નવી ઉર્જાનો સંચાર કરશે.

મહત્વનું છે કે, ટી 20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા  ટુર્નામેન્ટ હવે UAE અને ઓમાનમાં રમાવાની છે. જો કે, આ ટુર્નામેન્ટનું યજમાન ભારત જ રહેશે.