- જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો થશે પ્રારંભ
- આજે સાંજે ભારતીય સમય પ્રમાણે 4.30 વાગ્યે ઑપનિંગ સેરેમની યોજાશે
- આર્ચરી ઇવેન્ટના રેન્કિંગ રાઉન્ડ દ્વારા ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઇ છે
નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ટોક્યો ઓલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. આર્ચરી ઇવેન્ટના રેન્કિંગ રાઉન્ડ દ્વારા ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઇ છે. ટોક્યો ઓલિમ્પિકની ઑપનિંગ સેરેમની જો કે સાંજે યોજાશે. ભારતીય સમય અનુસાર ઑપનિંગ સેરમનીની શરૂઆત સાંજે 4.30 વાગ્યાથી થશે.
કોરોના વાયરસ મહામારીને કારણે ઑપનિંગ સેરેમનીનું આયોજન ક્યા પ્રકારે થશે તેના વિશે જાણકારી સામે આવી નથી. ટોક્યો ઓલિમ્પિકના આગામી આયોજનને લગતા જવાબો તો ઓપનિંગ સેરેમની બાદ જ મળશે. કોવિડ-19ના કહેરને જોતા દરેક દેશ તરફથી ઓછા ખેલાડી ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે.
ભારત ઓલમ્પિક મહાસંઘએ પણ કોવિડ 19ના કહેરને જોતાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. ભારત તરફથી ઓપનિંગ સેરેમનીમાં 24 સભ્ય ભાગ લેશે જેમાં 18 ખેલાડી અને 6 સ્ટાફ મેમ્બર્સને રાખવામાં આવ્યા છે. પહેલાં અને બીજા જે ખેલાડીઓને ઇવેન્ટમાં ભાગ લેવાનો છે તેમને ઓપનિંગ સેરેમનીથી દૂર રાખવામાં આવ્યા છે. મનિકા બત્રા અને શરત કમલની જોડી ઓપનિંગ સેરેમનીનો ભાગ નહી હોય.
ટોક્યો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં વધુમાં વધુ 28 ખેલાડી અને અધિકારી સામેલ થશે. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ ગુરૂવારે આ જાણકારી આપી છે. બત્રા પ્રમાણે 23 જુલાઈએ થનારા ઉદ્ઘાટન સમારોહમાં હોકીમાંથી 1, બોક્સિંગમાંથી 8, ટેબલ ટેનિસમાંથી 4, રોવિંગમાંથી 2, જિમનાસ્ટિકમાંથી 1, સ્વીમિંગ 1, નૌકાયન 4, તલવારબાજીમાંથી 1 ખેલાડી હશે જ્યારે 6 અધિકારીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ તો હોકી ખેલાડી ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે નહીં પરંતુ પુરૂષ ટીમનો કેપ્ટન મનપ્રીત સિંહ ધ્વજવાહક છે, જેથી તે ભાગ લેશે.
ભારત (India) તરફથી ઓલમ્પિક રમતો (Olympics Games) ના ઇતિહાસમાં સૌથી મોટું દળ ભાગ લઇ રહ્યું છે. 119 ખેલાડીઓ ભારતને મેડલ અપાવવા માટે ટોક્યો પહોંચ્યા છે. આ પહેલાં રિયો ઓલમ્પિક (Rio Games) માં ભારત તરફથી 118 ખેલાડી મેદાનમાં ઉતર્યા હતા. ભારતને બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ, હોકી, રેસલિંગ અને જેવલીન થ્રોમાં મેડલની આશા છે.