અમદાવાદના કાંકરિયા ક્રોસ રોડના ટ્રાફિક સિગ્નલો પર પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવાયા
અમદાવાદઃ શહેરમાં લોકોને ઉનાળો આંકરી ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને એપ્રિલના અંત સુધીમાં તો તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. ત્યારે રોડ પર વાહનો સાથે જતાં લોકોને ગરમીથી રાહત આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે. આ પ્રયોગ સફળ થશે તો શહેરના અન્ય ટ્રાફિક સિગ્નલો પર પણ સ્પ્રિંકલર લગાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીથી લોકોને રાહત આપવા માટે હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેતા વાહનોમાં બેઠેલા લોકો અસહ્ય ગરમીથી આકૂળ-વ્યાકૂળ બની જતા હોય છે, જેમાં દ્વિચક્રી વાહનો પર જતા લોકોની હાલત તો વધુ કફોડી બનતી હોય છે. આથી રોડ પર જતાં-આવતા લોકોને ગરમીથી રાહત આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને તે વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે.
એએમસીના હેલ્થ વિભાગના અધિકારીના કહેવા મુજબ એએમસી દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બપોરના સમયે 12થી 5 વાગ્યા સુધીના સમયમાં વધુ ગરમી હોય છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો વધારે ઊભા રહેતા હોય છે. ત્યારે તેમને ગરમી ન લાગે તેના માટે એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. પાણીનો છંટકાવ થાય તેવા સ્પ્રિંકલર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાંકરિયાના પુષ્પકુંજ ચાર રસ્તા પર આ સ્પ્રિંકલર પ્રાયોગિક ધોરણે લગાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા આ સ્પ્રિંકલર પ્રોજેક્ટને બે દિવસમાં સારો પ્રતિસાદ મળશે તો શહેરના વિવિધ ટ્રાફિક જંક્શન ઉપર સીસીટીવી કેમેરાની નીચેના ભાગે સ્પ્રિંકલર લગાવવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ સ્પ્રિંકલર સિગ્નલના ટાઈમિંગ પ્રમાણે ચાલુ બંધ થશે. 60 સેકન્ડથી લઈ 120 સેકન્ડ સુધી ટાઈમર પ્રમાણે ચાલશે.